Site icon Revoi.in

રાજ્યના પ્રવાસન વિભાગે રૂ. 92 કરોડના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટ નો પ્રોજેક્ટ હાથ ધર્યોઃ CM ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ તાના અને રીરીએ આ વડનગરની ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ-રાગીણીઓની વિરાસત દુનિયાને આપી છે તેમ વડનગર ખાતેથી તાના રીરી સંગીત મહોત્સવનો આરંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે.

તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વનેતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વડનગરની આ ધરતી તાનારીરીથી લઈને નરેન્દ્ર મોદીના આવા આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે.

પ્રાચીન અને પુરાતન સંસ્કૃતિ, કળા, સાહિત્ય, સંગીત, ધર્મ સ્થાનકો આ બધાનો સમયાનુકૂળ વિકાસ કઈ રીતે થઈ શકે તેનું વિઝન આપણે વિકસાવ્યું છે, તેવું કહી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા આ વિરાસતના વિકાસ અને સંવર્ધનનું કામ વડનગરની ધરાના જ સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમજ્યંતિ વર્ષ-2010માં તાના-રીરીની સ્મૃતિમાં સિધ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો- સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી.આ પરંપરામાં આજે વર્ષ-2022નો એવોર્ડ સુશ્રી કંકણા બેનરજી અને ડૉ. મોનિકા શાહને તથા વર્ષ ૨૦૨૩ માટે સુશ્રી આરતી અંકલિકરને તાના-રીરી સન્માન એવોર્ડ અર્પણ થયા છે.

વડનગરના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ઐતિહાસિક નગર વડાપ્રધાનના આગવા દિશાદર્શનને પરિણામે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, અને પરિવહનના વિવિધ પ્રકલ્પો પામીને વિકાસના રહે આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ જે શાળામાં લીધું હતું તેને ‘પ્રેરણા સ્કૂલ’ તરીકે રાજ્ય સરકાર ડેવલપ કરી રહી છે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, પ્રેરણા સ્કૂલનો આ અભિનવ વિચાર આપણે રાજ્યની અન્ય શાળાઓમાં પણ અમલી કરવા જઇ રહ્યા છીએ. આધુનિક સુવિધાઓ અને શિક્ષણ પદ્ધતિ દ્વારા પ્રેરણા સ્કૂલ દેશની મોડલ અને આઇકોનિક સ્કૂલ બનવાની છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ વતનભૂમિ વડનગરને 2017માં નવી GMERS મેડિકલ કોલેજ-હોસ્પિટલની ભેટ આપી છે.

રાજ્ય સરકાર કળા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠબળ આપીને આવી કલાપ્રવૃત્તિઓનું જતન-સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિદ્યાલય પરફોર્મીંગ આર્ટ્સ કોલેજ પણ વડનગરમાં રાજ્ય સરકારે શરૂ કરી છે. વડનગર રેલ-વે સ્ટેશનને રિ-ડેવલપ કરવામાં આવ્યું છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશનું પહેલું આર્કીયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમ અહીં બની રહ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ટુરીઝમ વિભાગે 92 કરોડ રૂપિયાના ખર્ચે વડનગર હેરિટેજ સર્કિટનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. આ ઉપરાંત હોલિસ્ટિક અને સ્ટ્રેટેજીક ડેવલપમેન્ટ માટે ચાર ઝોનમાં નગરના કામોનું વિભાજન કરીને વડનગર માસ્ટર પ્લાન આપણે બનાવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે વર્ષ 2022નો તાના રીરી સન્માન એવોર્ડ કંકણા બેનરજી અને ગુજરાતના શ્રી મોનિકા શાહ અને વર્ષ 2023નો એવોર્ડ આરતી અંકલિકરને આપવામાં આવ્યો હતો.