અમદાવાદઃ રાજ્યમાં ઘણાબધા વાહન માલિકો પોતાના નવા વાહન માટે રૂપિયા ખર્ચીને પસંદગીનો રજિસ્ટ્રેશન નંબર મેળવતા હોય છે. આરટીઓ વિભાગે નવા વાહનોને પસંદગીના નંબર માટે નિયત ફી સાથે હરાજી શરૂ કરતા આરટીઓને લાખો રૂપિયાની આવક થઈ રહી છે. ઘણા શોખીન લોકો તો પોતાના નવા વાહન માટે પસંદગીનો નંબર મેળવવા હરાજીમાં ભાગ લઈને લાખો રૂપિયાની બોલી બોલતા હોય છે. હવે સરકારે પસંદગીનો વાહન રજિસ્ટ્રેશન નમબર મેળવવા માટેની ફીમાં તોતિંગ વઘારો કર્યો છે. આમ તો તા. 1લી એપ્રિલથી તેનો અમલ શરૂ થઈ ગયો છે. પણ અમદાવાદ આરટીઓમાં નવા વાહન માટેની સીરીઝ તા. 15મી એપ્રિલથી શરૂ થતી હોવાથી વાહન માલિકોને નવા વાહન માટે પસંદગીનો નંબર મેળવવા માટે રૂપિયા 500થી લઈને 15000 સુધીની રકમ વધુ ચુકવવી પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે નવા વાહનોના ગોલ્ડન, સિલ્વર સહિત સામાન્ય પસંદગીના નંબરોના ચાર્જમાં 1 એપ્રિલથી રૂપિયા 500થી લઈ 15000 સુધીનો ભાવ વધારો કર્યો છે. સુભાષબ્રિજ આરટીઓ ખાતે આગામી 15 એપ્રિલથી શરૂ થતી નવી સિરીઝમાં નવા ભાવ મુજબ નંબરોની રકમ વસૂલાશે. આજ કારણથી અગાઉની સિરીઝની જાહેરાત કર્યા બાદ હરાજી રદ કરાઇ હોવાનું મનાય છે. પૂર્વ ઉચ્ચઅધિકારીઓના જણાવ્યાનુસાર કોરોનાની મહામારીમાં હાલ ભાવ વધારવો યોગ્ય નથી. વાહન ખરીદનાર પ્રત્યેક વ્યક્તિ આર્થિક સદ્ધર હોય તેવું માની લેવું ગેરવ્યાજબી છે. જેથી ટુ વ્હીલરના બદલે માત્ર કારના પસંદગીના નંબરોમાં ભાવ વધારો કરવાનો હતો. સુભાષબ્રિજ આરટીઓમાં હાલમાં ટુ વ્હીલરની વર્તમાન સિરીઝના નંબરો પૂરા થઈ ગયા છે. નવી સિરીઝ 15 એપ્રિલથી ખુલશે આ પછી બે દિવસ હરાજી થશે. ત્યારબાદ નંબરોની ફાળવણી કરી શકાશે. આરટીઓની લાપરવાહીના કારણે વાહન માલિકોને પરેશાની ભોગવી પડશે.