રાજ્યના નિષ્ણાંત ડોક્ટર્સએ સ્વીકાર્યુ કે, કોરોનાનો બીજો વેવ સૌથી વધુ ઘાતક
ગાંધીનગર : કોરોનાની મહામારીને લીધે રાજ્યની સ્થિતિ ખૂબ ભયાવહ બની ગઈ છે. અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડો. તેજસ પટેલ, ડો.વી.એન.શાહ, ડો અતુલ પટેલ, અને ડો તુષાર પટેલે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, ગત્ત કોરોના વેવની તુલનાએ આ બીજો વેવ વધારે ખતરનાક છે અને સ્થિતિ પણ ગંભીર છે. આ વાયરસે તમામ માપદંડ તોડી નાખ્યા છે. આ વાઇરસ અલગ પ્રકારનો છે. તે જે 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો અને માઈનસ 45 ડિગ્રીમાં પણ જોવા મળ્યો છે. ખુબ જ વિચિત્ર પ્રકારનો આ વાયરસ છે.
ડો. તેજસ પટેલે નાગરિકોને અપીલ કરી હતી કે, માસ્ક ફરજિયાત અને યોગ્ય રીતે પહેરવું જોઇએ. ટોળાં હોય તેવી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ આ ઉપરાંત ટોળા કરવા પણ ન જોઇએ. લોકડાઉનએ કોઇ ઉપાય નથી. તેનાથી નાગરિકો અને ધંધા રોજગારની કમર તુટી જાય છે. વાયરસથી બચવા માટે હાલ માસ્ક અને વેક્સિન બે જ વસ્તુ ઉપયોગી છે. વેક્સિનન લીધી હોય તેવા લોકોને કોરોના ન થાય તેવું નથી પરંતુ કોરોના થાય તો પણ તે પ્રાણઘાતક ન બને. ઓછુ નુકસાન કરે છે.
ડો વી.એન શાહે જણાવ્યું કે, આ એક વાયરલ યુદ્ધ છે. આપણે પહેલા રોગને સમજવો જરૂરી છે. આ રોગનો એક જ ઇલાજ છે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક. તેનાથી ટેવાઇ જઇશું અને વેક્સિનથી હર્ડ ઇમ્યુનિટી થશે. માસ મુવમેન્ટ કરવી પડશે વેક્સિન માટે. હાલ યુ.કે વેરયન્ટ ચાલી રહ્યો છે જે ખુબ જ ખતરનાક છે. જેના કારણે ફેમિલી બન્ચીંગ સિસ્ટમ જોવા મળે છે.
ડો. દિલીપ માલવણકરે જણાવ્યું કે, પહેલા દુકાનોની બહાર કુંડાળા રહેતા હતા તે આપણે ભુલી ગયા છીએ. લોકો સાથે શક્ય તેટલો સંપર્ક ટાળવો જોઇએ. ટોળા હોય તેનાથી તો દુર જ રહેવું જોઇએ. આ અંગે અતુલ પટેલે જણાવ્યું કે, તમામ દર્દીઓને સામાન્ય લક્ષણો છે. ખોટા ગભરાઇ જવાની જરૂર નથી અને ઇન્જેક્શન માટે દોડાદોડી કરવાની જરૂર નથી. આરામ કરવો, પાણી પીવું અને યોગને એ પણ અચાનક કોરોનાની બીકે વધારી ન દેવું. કોરોના ચેપી રોગ કરતા સોજાવાળો રોગ વધારે છે. 80 ટકા દર્દીઓ તુરંત જ સાજા થઇ જાય છે. અંદર સુધી વાયરસ જાય ત્યારે ફેફસા અને અન્ય અંગો પર સોજા થઇ જાય છે. તેની અસર અંગો પર વધારે પડે છે. ત્યાં વેન્ટિલેશન હોવું ખુબ જ જરૂરી છે. પહેલા વેવ કરતા ત્રણ ગણો વધારે આ ફેલાઇ રહ્યો છે.