Site icon Revoi.in

સુરતના આંત્રોલીમાં બુલેટ ટ્રેન માટેનું સ્ટેશન ડાયમંડ આકારનું બનાવાશે

Social Share

સુરતઃ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામમાં હવે બુલેટની ગતિએ ઝડપ વધી રહી છે. કોરોનાને લીધે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક સમયે ધીમો થયો હતો. પરંતુ છેલ્લા છ માસથી સમગ્ર પ્રોજેક્ટ વેગીલો બન્યો છે. રેલ્વે રાજ્યમંત્રી દર્શના જરદોશેએ સુરતમાં બનનારા ડાયમંડ આકારના બુલેટ ટ્રેનના સ્ટેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરીને સમગ્ર પ્રોજેક્ટ ગતિએ આગળ વધી રહ્યો છે તેની માહિતી આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ -મુંબઇ વચ્ચે આકાર લેનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પ્રથમ સ્ટેશન સુરતના આંત્રોલીમાં તૈયાર થઇ રહ્યું છે. જેનું શાનદાર ગ્રાફીક ચિત્રણ રેલ્વે રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સાથે શેર કર્યું હતું. સુરતને દેશ અને દુનિયામાં ટેક્સટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખવામાં આવે છે. આંત્રોલીમાં નિર્માણધિન બુલેટ ટ્રેનના સ્ટેશનને ડાયમંડ આકાર આપવામાં આવશે. ત્રણ માળના સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોરના પ્રવેશ દ્વાર પર હીરાની ડિઝાઇન તૈયાર કરાશે. સ્ટેશનના પ્રથમ માળ પર શોપીંગ મોલ અને ટીકીટ કાઉન્ટર હશે. મંત્રીએ સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકોને જણાવ્યું હતું કે, સુરતની સાથે બીલીમોરા, વાપી અને ભરૂચમાં બનનારા બુલેટ ટ્રેનના સ્ટેશનને મંજૂરી આપી દેવાઇ છે.

મંત્રીએ સોશ્યલ મીડિયા પર ડાયમંડ સ્ટેશનનું ગ્રાફીક ચિત્ર પોસ્ટ કરીને ટાંક્યું હતું કે, આંત્રોલીમાં બનનારું સ્ટેશન સુરત શહેર માટે ગૌરવ બની રહેશે. બહુમાળિય સ્ટેશન સેન્ટ્રલી એસી સાથે વૈશ્વિકસ્તરની સુવિધાઓ સ્ટેશનમાં ઉપલબ્ધ કરાશે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન સુરતમાં તૈયાર થયું છે. હજુ સુધી પ્રોજેક્ટના બીજા સ્ટેશનો વિશે વિસ્તારથી કોઇ જાહેરાત કે કામની માહિતી અપાઇ નથી. બુલેટ ટ્રેનને બાર સ્ટોપેજ મળશે જેની અગાઉથી જાહેરાત કરાઇ હતી. તે મુજબ હાલમાં સુરતમાં સ્ટેશનનું કામ નિર્માણધીન છે. બીલીમીરો, વાપી અને ભરૂચમાં સ્ટેશન તૈયાર કરવામાં આવશે વર્ષ 2024 સુધીમાં આ સ્ટેશનોનું કામ પૂર્ણ કરાશે તેવી માહિતી બહાર પડાઇ છે. એક વખત બુલેટ ટ્રેન મુંબઇ કે અમદાવાદથી દોડશે તો વિના સ્ટોપેજે 2.07 કલાકમાં તેના ગંતવ્યે પહોંચશે અને સ્ટોપેજ સાથે 2.58 કલાકનો સમય લેશે. ટ્રેનની ઓપરેટીંગ ગતિ 320 કિલોમીટર પ્રતિકલાકની રહેશે અને મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક દોડશે.