અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શાળા- કોલેજો બંધ રહેવાથી સ્ટેશનરી ઉદ્યોગને સારીએવી નકશાની સહન કરવી પડી છે. હવે કોરોનાના કપરો કાળ સમાપ્ત થઈ ગયો છે. શાળા-કોલેજો શરૂ થયા બાદ હાલ ઉનાલું વેકેશન ચાલી રહ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કુલ પુસ્તકો, નોટસબુકો અને સ્ટેશનરીના વેચાણમાં તેજી આવશે એવું વેપારીઓ માની રહ્યા છે. પરંતુ આજના ડિજિટલાઇઝેશનના જમાનામાં કાગળ અને પેનથી થતાં અનેક કામો હવે ઓનલાઇન થવા લાગ્યા છે. ટેક્નોલોજીનો ફાયદો હોય છે તો તેના કેટલાક નુકસાન પણ હોય છે. કમ્પ્યૂટર, મોબાઇલ અને ડિજિટલાઇઝેશનના ચલણમાં વધારો થતાં સ્ટેશનરીના વેપારીઓ સામે સંકટ ઉભુ થઈ ગયું છે. છેલ્લા 10-12 વર્ષથી સ્ટેશનરી પ્રોડક્ટ્સના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
સ્ટેશનરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓના જણાવ્યા મુજબ આજના જમાનામાં ડિઝિટલાઈઝેશનને લીધે ઘણીબધી ચિજ-વસ્તુઓ વેચાતી નથી. જેમાં ઇન્ક પેન, ડુપ્લીકેટ પેપર, કાર્બન પેપર, ડુપ્લીકેટીંગ ઇંક, બુક ઓફ એકાઉન્ટ, ઓફીસ ફાઇલ, ઘોડા ફાઇલ, સ્ટેનો બુક અને ડેસ્ક રીફીલનો સમાવેશ થાય છે. ઈ-કોમર્સ અને ઓનલાઇન વર્ક વધવાને કારણે સ્ટેશનરીની અનેક વસ્તુના ઉપયોગમાં ઘટાડો થઈ ગયો છે. જેના કારણે સ્ટેશનરીના અનેક નાના વેપારીઓ સામે સંકટ ઉભુ થયું છે. સ્કૂલમાં નોટબુક અને આન્સર શીટના ઉપયોગમાં પણ ઘટાડો થયો છે. તો સ્માર્ટ ક્લાસ અને ઓએમઆર પદ્ધતિને કારણે પણ સ્ટેશનરીઓના વેચાણમાં ઘટાડો થયો છે. આ સિવાય ઘણી શાળાઓએ પોતાના સ્ટોર્સ શરૂ કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
સ્ટેશનરીના વેપારીઓના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1થી 8ના પાઠ્ય પુસ્તકો ફ્રીમાં અપાતા તેની અસર પણ નાના વેપારીઓ પર પડી છે. આ સાથે સરકારી કચેરીમાં સ્ટેશનરીની ડિમાન્ડ 30 ટકા સુધી ઘટી છે. કોર્પોરેટ ઓફિસોમાં પણ પહેલાના પ્રમાણમાં સ્ટેશનરીની માંગ 50 ટકા ઘટી છે. તો ઘણા સમયથી રો-મટિરિયલના ભાવમાં વધારો થવાને કારણે નોટબુક સહિત સ્ટેશનરીની માંગમાં 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે. સ્ટેશનરીની માંગમાં સતત ઘટાડો થતાં નાના વેપારીઓ માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેમની આવકમાં પણ ઘટાડો થયો છે. હવે નાના સ્ટેશનરીના વેપારીઓ બીજા ધંધા તરફ વળી રહ્યા ગયા છે. ઘણા વેપારીઓ હવે સ્ટેશનરીની સાથે ગિફ્ટ આર્ટિકલની વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા છે. વેપારીઓ લંચબોક્સ, પાણીની બોટલ, ચા-કોફી માટેના મગ અને ગિફ્ટ સહિતની અન્ય વસ્તુનું વેચાણ કરી રહ્યાં છે.