1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવેલા સુપ્રસિદ્ધ સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ પસંદગી થઇ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવેલા સુપ્રસિદ્ધ સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ પસંદગી થઇ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરવામાં આવેલા સુપ્રસિદ્ધ સ્થળોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ પસંદગી થઇ

0
Social Share

અમદાવાદ:આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર ખાતે આવલા મૈસૂર પેલેસમાં યોગ દિવસની ઉજવણીમાં નેતૃત્વ સંભાળશે. વડાપ્રધાનનું  સંબોધન DD નેશનલ અને DD ચેનલો પર સવારે 6.40 થી 7.00 કલાક સુધી પ્રસારિત કરવામાં આવશે.મૈસૂરમાં ડિજિટલ યોગ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે જેમાં અગાઉના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઓ પર પ્રકાશ પાડવામાં આવશે અને તેમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓની ઝાંખી આપવામાં આવશે. આ પ્રદર્શનમાં યોગની શક્તિ, શ્રેષ્ઠ આચરણ, સંશોધનના મુખ્ય અંશો, સામાન્ય યોગ પ્રોટોકોલ વગેરેને પણ સમાવી લેવામાં આવશે.

સમગ્ર દેશમાં આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ભાવના સાથે, IDYના 8મા સંસ્કરણની ઉજવણી માટે માટે 75 સુપ્રસિદ્ધ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ પસંદગી પામેલા સ્થળોમાં સમાવી લેવાયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 21 જૂન 2022ના રોજ ગુજરાતના કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે થનારી યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ સંભાળશે.

દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણી સમગ્ર દુનિયામાં કરવામાં આવે છે. આ વર્ષે, IDY ના 8મા સંસ્કરણની ઉજવણી ભારતમાં અને સમગ્ર દુનિયામાં કરવા માટે ‘માનવજાત માટે યોગ’ થીમ પર આયોજનો કરવામાં આવશે જેની જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત સંબોધનમાં કરી હતી. આ ઉજવણીમાં આ પ્રસિદ્ધ સ્થળો બતાવતી વખતે ‘વૈશ્વિક મંચ પર બ્રાન્ડ ભારત’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. IDYની ઉજવણી જરૂરિયાત મુજબ જાતે તૈયાર કરવામાં આવેલા એક 45-મિનિટના પ્રોટોકોલ એટલે કે કોમન યોગ પ્રોટોકોલ (CYP)ના સૂમેળપૂર્ણ સામૂહિક યોગ પ્રદર્શન પર આધારિત છે.

આ વર્ષે IDYની ઉજવણીમાં મુખ્ય આકર્ષણમાં ‘ગાર્ડિયન રિંગ’ રહેશે જ્યાં સમગ્ર દુનિયામાં થઇ રહેલી યોગની ઉજવણીનું આખા યોગ દિવસ દરમિયાન પ્રસારણ કરવામાં આવશે. ‘ગાર્ડિયન રિંગ’ “એક સૂર્ય, એક ગ્રીડ”ની પરિકલ્પનાને રેખાંકિત કરે છે અને યોગની શક્તિના એકીકરણને દર્શાવે છે. આ પ્રવૃત્તિની સાથે સાથે વિદેશમાં આવેલા ભારતના વિવિધ મિશન ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમોની ફીડ પણ સમાવી લેવામાં આવશે અને DD ઇન્ડિયા પર તેનું પ્રસારણ કરવામાં આવશે.

તમામ લોકોને યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માટે અને યોગના લાભ લેવા માટે અનુરોધ કરતા વડાપ્રધાનએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સ શેર કરી હતી. પોતાની એક ટ્વીટમાં, તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, વૈશ્વિક સ્તરે યોગની લોકપ્રિયતા ખૂબ જ વધી છે. તેમણે નોંધ્યું હતું કે, જીવનના તમામ ક્ષેત્રો અને વ્યવસાયોના લોકોએ તેમની દિનચર્યામાં યોગ સમાવ્યા કર્યા છે કારણ કે યોગની મદદથી તેમને તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવામાં મદદ મળી છે.

નિયમિતપણે યોગ કરવાની સ્વસ્થ આદતને પ્રોત્સાહન આપતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, રોગોથી બચવા અને સુખાકારી મેળવવા માટે, તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના માટે દરેક વ્યક્તિએ યોગને પોતાનાં જીવનનો હિસ્સો બનાવવો જોઇએ.

21 જૂન 2015ના રોજ સમગ્ર દુનિયામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂનના રોજ IDYની ઉજવણી કરવા પાછળનો સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્યમાં યોગની તાકાતને રેખાંકિત કરવાનો હતો. ડિસેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ સાથે IDYની ઉજવણીનો ઠરાવ લાવવામાં આવ્યો હતો અને સર્વસંમતિથી આ ઠરાવ પસાર થયો હતો. 2015 થી, સમગ્ર દુનિયામાં આરોગ્ય માટે એક જન ચળવળ તરીકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ની ઉજવણીની શરૂઆત થઇ છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code