સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદઃ દુનિયાના સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા આવે છે. ટુંકાગાળામાં વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન મેળવનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. કેવડિયા સુધી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદીના કિનારે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી વિશ્વની સૌથી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. કેવડિયામાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ આવેલો છે. આ ઉપરાંત વોટરફોલ, જંગલ સફારી, ચીલ્ડ્રન પાર્ક વગેરે આકર્ષણો પ્રવાસીઓને આકર્ષે છે. દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. બીજી તરફ પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે. એટલુ જ નહિં કોરોનાકાળ બાદ દરરોજ એક લાખ જેટલા પ્રવાસીઓ કેવડિયાની મુલાકાતે આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેવડિયાનો સતત થઈ રહેલા વિકાસના કારણે સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. તેમજ કોરોનાકાળ બાદ આંતર રાષ્ટ્રીય કરતા ઘર આંગણે પ્રવાસન ઝડપથી રફતાર પકડશે. તેવુ ટુર ઓપરેટરો માની રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં અનેક પ્રવાસન સ્થળ છે. ભારતના પ્રવાસન સ્થળોમાં અત્યારે આગ્રા ટોપ પર છે. દરરોજ 70,000 પ્રવાસીઓ આવે છે.