પ્રવાસીઓ માટે આવતીકાલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ મુકાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પગલે કર્ફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવ્યાં હતા. એટલું જ નહીં સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પ્રવાસન સ્થળોને બંધ કરવામાં આવ્યું હતું. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા ફરીથી જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. જેથી નર્મદા નદીના કાઠે આવેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલ મંગળવારથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની બીજી લહેરના કારણે સ્ટેટ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું. જો કે. તા. 8મી જૂનથી ફરીથી પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખોલવામાં આવશે. તેના માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરતાં આવતીકાલથી ઓનલાઇન બુકિંગ શરૂ થઇ જશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જ જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટીને પણ ખુલ્લા મૂકાશે. હાલમાં પણ ટિકિટ માત્ર ઓનલાઇન જ બુકિંગ થશે. ઓફલાઇન ટિકિટ અત્યારે નહીં મળે તેવું સૂત્રોનું કહેવું છે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર ન હતો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે 10 થી 15 હજાર લોકો આવતા હતા. પરંતુ 2020ના માર્ચ મહિનામાં કોરોનાની પ્રથમ લહેરના લીધે લગભગ 6 મહિના સુધી સ્ટેચ્યુ બંધ રહ્યું હતું. બીજી લહેર માર્ચ 2021માં આવી ત્યારે આ વખતે ખુલ્લું રખાયું હતું. પરંતુ પ્રવસીઓ નામ માત્રના આવતા હોવાથી ફરી બંધ કરાયું હતું.