વાયુસેનાની તાકાતમાં થશે વધારો,સામેલ થશે સ્વદેશી લડાકુ વિમાન
દિલ્હી:વાયુસેના સોમવારે ઔપચારિક રીતે સ્વદેશી રીતે વિકસિત લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH)ને તેના કાફલામાં સામેલ કરશે.તેનાથી વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થશે.આ બહુપયોગી હેલિકોપ્ટર બહુવિધ મિસાઈલ ફાયર કરવામાં અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.
LCH ને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે એક જાહેર ક્ષેત્રની સંસ્થા છે.તે મુખ્યત્વે ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત કરવા માટે રચાયેલ છે.
અધિકારીઓએ જણાવ્યું કે,રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની હાજરીમાં જોધપુરના એરફોર્સ સ્ટેશન પર યોજાનાર કાર્યક્રમમાં એલસીએચને સામેલ કરવામાં આવશે.તેમણે કહ્યું કે 5.8 ટન વજન અને બે એન્જિન ધરાવતું આ હેલિકોપ્ટર પહેલાથી જ ઘણા હથિયારોના ઉપયોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ વર્ષે માર્ચમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) એ રૂ. 3,887 કરોડમાં 15 સ્વદેશી રીતે વિકસિત LCH ખરીદવાની મંજૂરી આપી હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે,આમાંથી 10 હેલિકોપ્ટર વાયુસેના માટે અને પાંચ આર્મી માટે હશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, LCH ‘એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર’ ધ્રુવ સાથે સામ્યતા ધરાવે છે.