નવી દિલ્હીઃ ભારતનો પાસપોર્ટ વધારે મજબુત બન્યો છે, હવે ભારતીયો વિઝા વિના પણ ઈરાનનો પ્રયાસ કરી શકશે. ઈરાને ભારત અને સાઉદી અરબ સહિત 33 દેશો માટે વિઝાની વ્યવસ્થા દુર કરી છે. ઈરાની પર્યટન મંત્રાલયનું માનવુ છે કે, ખુલ્લા દ્વાર નીતિ દુનિયાના વિવિધ દેશો સાથે ઈરાનને જોડવાના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. આઈએસએનએ કહ્યું હતું કે, આ નિર્ણયની સાથે એવા દેશોની સંખ્યા વધીને 45 થઈ ગઈ છે જેના નાગરિકો વિના વિઝા ઈરાનનો પ્રવાસ કરી શકશે. લેબનાન, ટ્યુનીશિયા, ભારત, સાઉદી અરબ અને મધ્ય એશિયાઈ અને આફ્રીકી તથા મુસ્લિમ દેશો સહિત કુલ 33 જેટલા દેશો માટે ઈરાને વિઝાની જરુરીયાતને દુર કરી છે. ઈરાને વિઝા ફ્રી યાદીમાં એક માત્ર પશ્ચિમી સહયોગી રાષ્ટ્ર ક્રોએશિયાનો સમાવેશ કરાયો છે જે યુરોપીય સંધ અને નાટોનો સભ્ય છે. ઈરાનના આ નિર્ણયને સાઉદી અરબ સાથેના સંબંધને વધારે નોર્મલ કરવાની દિશામાં પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
ભારતના છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાના વિવિધ દેશો સાથેના સંબંધમાં સુધારો થયો છે. જેના પરિણામ સ્વરૂપે સિંગાપોર, શ્રીલંકા સહિતના દેશોએ ભારતીય નાગરિકો માટે વિઝા મુક્તિ આપી છે. હવે આ યોદીમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે. ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક રીતે પણ સદ્ધર બન્યું છે, ભારતની આર્થિક તાકાત વધવાની સાથે તેની શાખમાં પણ વધારો થયો છે. જેથી દુનિયાના વિવિધ દેશોની કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આવી રહી છે. એટલું જ નહીં દર વર્ષે લાખો વિદેશીઓ ભારતના પ્રવાસે આવે છે.