અમદાવાદઃ કૃત્રિમ ખેતીથી ધરતી માતાને પીડા થાય છે. એટલે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય તેનાથી ગુજરાતના ખેડૂતો અજાણ નથી. હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, જેથી દરેક ગામમાં લોકોએ 75 વૃક્ષ વાવવાનો સંકલ્પ કેવો જોઈએ, તેમજ દરેક ગામમાં 75 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવુ જોઈએ. એકતાની તાકાત વિકાસમાં ખુબ મદદરૂપ થાય છે. તેમજ ગામડાઓમાં બોરીબંધ બનાવવાથી પાણીની સમસ્યા નહીં રહે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખેત તલાવડી બનાવવા માટે આહવાન કર્યું હતું. આ ઉપરાંત ગામડામાં કોઈ ગરીબ ના રહે તેવો સકંલ્પ લેવા માટે પણ પીએમ મોદીએ આહવાન કર્યું હતું.
ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે, ગાંધીજી હંમેશા ગ્રામીણ વિકાસની વાતો કરતા હતા. ગ્રામીણ વિકાસનું કામ સરપંચો અને પંચાયતના સભ્યો કરે છે. ગામડાઓમાં કોઈ ગરીબ ના રહે તે માટે આપણે સંકલ્પ લેવો જોઈએ. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના જેવી મહામારીએ આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી હતી પરંતુ કોરોનાને ગામડાંમાં પહોંચતા ફીણ આવી ગયા હતા. ગ્રામજનોએ સુઝ પ્રમાણે નિયમો ગોઠવ્યા હતા. આમ ગ્રામીણ વિસ્તારમાં મહામારીને પ્રવેશતા અટકાવી હતી. દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે. બાળપણમાં સર્વોદય પ્રવૃત્તિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશી પાસેથી વાતો સાંભળતો હતો. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લોકો આમને સામને ન આવે પણ ગામડાંની ચૂંટણીમાં લોકો સામ સામે આવે છે. ઘણીવાર તો દીકરી પાછી આવે કારણ કે ચૂંટણીમાં સામ સામે હતા. વેરના વાવેતર થઈ જતા હતા. વિનોબાભાવે કહેતા ગામડાંઓમાં મળીને પ્રતિનિધિ નક્કી કરવામાં આવે.
પાંચ રાજ્યોના પરિણામ ઉપર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈકાલે આપણે લોકતંત્રની તાકાત જોઈ, જ્યાં બીજી વખત કોઈ સરકાર નથી બનાવતું ત્યાં ભાજપ ફરીથી સરકાર બનાવી રહ્યું છે. ભાજપ ચાર રાજ્યોમાં ફરીથી સરકાર બનાવી રહી છે.