ગાંધીનગરઃ રાજ્યના તલાટી કમ મંત્રીઓએ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હળતાલથી પંચાયતની કામગીરીને અસર થઈ છે. તલાટીઓની હડતાળ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવતી કામગીરી અને 13 થી15 દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ તાલટી કમ મંત્રીઓ પંચાયત કચેરીમાં અભિયાનમાં જોડાશે તેવી જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા કરવામાં આવી છે. તલાટીઓના હડતાળના પ્રથમ દિવસે ગામડાંમાં લોકોને જન્મ-મરણના દાખલા મેળવવામાં મુશ્કેલી પડી હતી. હડતાળ દરમિયાન તલાટીઓએ વિવિધ જિલ્લા અને તાલુકા મથકો પર દેખવો કર્યા હતા. રાજકોટ જીલ્લાના અને તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીઓ હડતાળમાં જોડાયા હતા. અને તલાટીઓએ એકઠા થઇ તમામ ગ્રામપંચાયતની ચાવી અને સિક્કા તાલુકા મથકે જમા કરાવી ગ્રામપંચાયતની તમામ કામગીરી સજ્જડ રીતે બંધ કરી, અને પડતર માંગણીઓ અંગેના સૂત્રોચ્ચાર કર્યાં હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો માટે મંગળવારથી લડતનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અંગેની વિગતો આપતા મહામંડળના પ્રમુખ પંકજ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દરમિયાન પણ અમારા પ્રશ્નોના ઉકેલ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સત્તામાં આવી છે જોકે આ સરકારમાં પણ પંચાયત મંત્રી બ્રિજેશ મિર્ઝા અને સંલગ્ન વિભાગો સાથે તબક્કાવાર બેઠકો કરી હોવા છતાં નવી સરકાર આવ્યા બાદ પણ 9 મહિના સુધી અમારી માગણીઓને હલ કરવામાં આવી નથી કે સમાધાન પણ કરવામાં આવ્યું નથી જેના કારણે રાજ્યના 9,હજારથી વધુ તલાટી કમ મંત્રીઓ હડતાલ ઉતર્યા છે. તલાટી મહામંડળની માગણી છે. કે, વર્ષ 2004-5 ની નોકરી સળંગ ગણવામાં આવે આ ઉપરાંત રેવન્યુ અને પંચાયત તલાટીઓને મર્જ કરી ગ્રેડ પે આપવામાં આવે, તેમજ નરેન્દ્ર મોદીના શાસનમાં વધારાની કામગીરીનું ભથ્થું જે 900 રૂપિયા આપવામાં આવતું હતું તે વધારીને 5000 કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે આ ઉપરાંત અન્ય માગણીઓ પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
તલાટી મહામંડળે જણાવ્યું હતું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવતા તમામ કામો ઉપરાંત આગામી 13 થી 15 તારીખ દરમિયાન યોજાનારા હર તિરંગા અભિયાનમાં તમામ તલાટી મંત્રીઓ જોડાશે, જોકે રાજ્ય સરકાર જ્યાં સુધી અમારા તમામ મુદ્દાઓનું નિરાકરણ કે સમાધાન નહીં કરે ત્યાં સુધી ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડશે.