અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં સરકારી હોસ્પિટલોમાં તબીબો ફરજ બજાવી રહ્યા છે. તબીબો સાતમા પગાર પંચ, અને બઢતી અંગે ઘણા સમયથી માગણી કરી રહ્યા હતા પણ તેમના પ્રશ્નો ઉકેલાતા નહતા. આખરે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ સરકાર સામે બાયો ચઢાવીને વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે ત્વરિત નિર્ણય લેવાય તેવી માંગ કરીને પોતાની અલગ અલગ 15 માંગણીઓ મામલે સરકારની આવેદન પત્ર આપ્યાં હતાં. પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં નહીં ભરાતાં તબીબોએ ગુરૂવારે ઘરણાં યોજ્યાં હતાં અને આંદોલનની ચીમકી આપી હતી. તેમને આ આંદોલનમાં જુનિયર ડોક્ટરોએ પણ ટેકો આપ્યો હતો. ત્યારે હવે સરકાર તરફથી તેમને બે દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી અપાતાં હડતાળ પાછી ખેંચવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સૂચનાથી ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આરોગ્ય, FD, GAD ના અધિકારી અને GMTAના પ્રતીક મેમ્બર્સ વચ્ચે રચનાત્મક વાતચીત થઈ હતી. જાડેજાએ કોરોનાના દર્દીઓના હિતમાં હાલના GMTA ના પ્રતિક ઉપવાસ અને આંદોલન સ્થગિત કરવાની અપીલ કરતાં, ડોક્ટરોએ તેમના પર વિશ્વાસ બતાવી આંદોલન સ્થગિત કર્યું છે. જાડેજાએ મુખ્યપ્રધાન સાથે મિટિંગ કરી, બે દિવસમાં પોઝિટિવ ઉકેલ આવશે તેવી ખાતરી આપતાં આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો ગુરૂવારે ધરણા પર ઉતાર્યા હતાં 15 માંગણીઓ સાથે તબીબોની મહામારી વચ્ચે પ્રોફેસર તબીબોની હડતાળ શરુ થઈ હતી. 2008 થી પેન્ડિંગ રહેલી 15 માંગણીઓ અનેક રજુઆત બાદ પણ સરકાર વિચારણા નહીં કરતી હોવાનો આક્ષેપ કરાયો હતો. સાતમા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહ્યાં હોવાનું સિનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું. જુનિયર ડોક્ટર એસોસિએશને જણાવ્યું હતું કે રાજયના સરકારી તબીબો, શિક્ષકો છેલ્લા એક વર્ષથી સરકારની સાથે કોરોનાને મ્હાત આપવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. રાત કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને જોયા વિના અવિરત ફરજ બજાવી છે. પરંતુ આ કોરોના વોરિયર્સ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા વ્યથિત છે. તેમણે હડતાળ કરવા અંગેનું આવેદન પત્ર પણ પાઠવ્યું છે. જ્યારે કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો થયો ત્યારે આ ડોક્ટરોએ પોતાની હડતાળ પાછી ખેંચી લીધેલ છે. પરંતુ તેમ છતાં તેમના પ્રશ્નો અંગે કોઈ સંવેદનશિલતા દાખવી નહીં અને તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. ત્યારે અમે તેમની હડતાળને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ