Site icon Revoi.in

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ લૂખ્ખા તત્વોથી પરેશાન

Social Share

જૂનાગઢઃ રાજ્યની પ્રતિષ્ઠિત ગણાતી જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ લૂખા તત્વોથી પરેશાન છે, વિદ્યાર્થીઓ યુનિની ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે, અને કોલેજ આવતા રસ્તાઓ પર લૂખ્ખા અને આવારા તત્વો વિદ્યાર્થિનીઓની છેડતી કરી રહ્યા છે. આ અંગે વિદ્યાર્થિનીઓએ કૂલપતિ, યુનિના સિક્યુરિટી હેડ સહિત ફરિયાદો કરવા છતાંયે લૂખ્ખાઓનો ત્રાસ યથાવત છે.  લુખ્ખાઓ યુનિવર્સિટીના કેમ્પસમાં ઘુસી જઈ વિદ્યાર્થિનીઓની છેડતી, અડપલા કરતા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. આ અંગે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ ડીન, ડીએસડબ્લ્યુ અને કુલપતિ સહિતનાઓને ફરિયાદ કરી છે. ડીએસડબ્લ્યુ અને સિક્યુરીટીના વડા દ્વારા ફરિયાદને મજાક સમજી કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઉઠયા છે.

જુનાગઢની કૃષિ યુનિ.માં અનેક વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. યુનિવર્સિટીમાં આવેલી માતુશ્રી સાવીત્રી ગર્લ્સ હોસ્ટેલ,  કસ્તુરબા ગર્લ્સ,  રિધ્ધી ગર્લ્સ હોસ્ટેલ અને સિધ્ધી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ કુલપતિને ફરિયાદ કરી છે કે, હોસ્ટેલથી યુનિ.માં જ આવેલી કોલેજે અભ્યાસ માટે જઈએ અને આવીએ ત્યારે રસ્તામાં અસામાજીક તત્વો દ્વારા છેડતી કરવામાં આવે છે, હાથાપાઈ કરવામાં આવે છે અને અભદ્ર શબ્દો બોલી ગંદા ઈશારા કરી ખરાબ રીતે સ્પર્શ કરવામાં આવે છે. અસામાજીક તત્વો ગર્લ્સ હોસ્ટેલની પાછળના ભાગમાં આવીને વિદ્યાર્થિનીઓ સામે ઉભા રહી અભદ્ર ચેનચાળા કરતા હોય છે. ચાર-પાંચ દિવસ પહેલા જ બપોરના સમયે ફરીવાર આવી ઘટના બની હતી. એક અજાણ્યો સ્કુટી ચાલક પુરપાટ ઝડપે આવી ડરાવવાની કોશિષ કરી ખરાબ રીતે ચેનચાળા કરી ગાળો આપી નાસી ગયો હતો. આ બાબતની ભોગ બનનાર વિદ્યાર્થિનીઓએ પ્રિન્સીપાલ અને ડીનને રજુઆત કરતા તેણે જરૂરી પગલા લઈ આસ્વાન આપી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના(ડીએસડબ્લ્યુ)ના નિયામકને રજુઆત કરવા જણાવ્યું હતું. બાદમાં આ વિદ્યાર્થિનીઓ ડીએસડબ્લ્યુમાં રજુઆત કરવા ગઈ ત્યારે તેમને સાંભળવાને બદલે ભોગ બનેલી વિદ્યાર્થિનીઓને જ દોષ આપતા હોય તેવું વર્તન કર્યું હોવાના આક્ષેપ ઉઠયા છે.

આ રજુઆત સમયે યુનિવર્સિટીની સિક્યુરીટી ગાર્ડના વડા પણ હાજર હતા અને તેણે પણ સમગ્ર ઘટનાને મજાકમાં લીધી હતી અને કટાક્ષમાં ભોગ બનનાર વિદ્યાર્થિનીઓને જ ‘ચરિત્રહિન છોકરીઓ જ છેડતી માટે જવાબદાર હોય, છોકરીઓને ફોલો કરતા અસામાજીક તત્વો હોસ્ટેલ સુધી મુકવા જાય છે’ તેવી તુચ્છ મજાક કરી સંતોષકારક જવાબ ન આપ્યો. બાદમાં આવી ઘટનાઓથી ડરી ગયેલી વિદ્યાર્થિનીઓએ યુનિ.ના કુલપતિને રજુઆત કરી આ બનાવમાંથી મોટો બનાવ બને તે પહેલા યુનિ.ના બેજવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.