અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોઢેરાનું સૂર્યમંદિર હવે સૂર્યઊર્જાથી ઝળહળશે. સૂર્ય ‘દેવ’ની આરાધના માટે ચૌલુક્ય વંશના રાજા ભીમ પહેલા દ્વારા 11 મી સદીમાં બંધાયેલા ઐતિહાસિક સૂર્યમંદિરને સૂર્યઊર્જાથી જ પ્રજ્વલ્લિત કરવાનો પ્રોજેક્ટ સરકાર શરૂ કર્યો છે. આ મહિનાના અંત સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું આયોજન છે. તેમજ વડા પ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેકટ મારફતે સૂર્ય મંદિરમાં રાત્રીના રોશની ઉપરાંત આસપાસના 1600 જેટલા ઘરોને પણ વીજળી પુરી પાડવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ-બીઇએસએસ ધરાવતા આ પ્રોજેક્ટમાં ઉત્પાદિત સોલર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ થશે. ભારતમાં પહેલીવાર આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. રાજ્ય સરકારની નોડલ એજન્સી-ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેન્ડરિંગથી આ પ્રોજેક્ટ એક કંપનીને સોંપવામાં આવ્યો છે. આ ટેકનોલોજી દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવી છે.
સૂર્યમંદિર નજીક જમીનમાં પિલર ઉપર સોલર ફોટોવોલ્ટેઇક પેનલો લગાવી ત્રણ મેગાવોટના એક એવા બે યુનિટ કુલ 6 મેગાવોટ ક્ષમતાવાળા ઊભા થશે, તેમજ લિથિયમ બેટરીવાળી બીઇએસએસ ટેક્નોલોજી સર્જાશે. અહીં ઉત્પાદિત સોલર એનર્જી મોઢેરા ગામના કુલ 1610 ઘરોને તથા સૂર્યમંદિરને દિવસરાત પૂરી પાડવામાં આવશે. કેન્દ્રના બિનપરંપરાગત ઊર્જા પ્રભાગે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂ. 32.5 કરોડ ફાળવ્યા છે, જ્યારે સૂર્યમંદિર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોઈ તેની પરમિશન મેળવાઈ છે અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેશનલ થશે.