નવી દિલ્હીઃ દિલ્હીમાં આકરી ગરમી વચ્ચે પાણીનું સંકટ વધી રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને દિલ્હી સરકારને પૂછ્યું કે તેણે ટેન્કર માફિયાઓને રોકવા માટે શું પગલાં લીધાં છે. પાણીનો બગાડ અટકાવવા તમે શું કામ કર્યું? દિલ્હીમાં પાણીની અછતના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કોઈ નવો મામલો નથી. છેલ્લા કેટલાક સમયથી આ મામલો સતત કોર્ટમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, જો દર વર્ષે ઉનાળામાં આ પ્રકારની સમસ્યા થાય છે, તો તમે તેના નિવારણ માટે શું પગલાં લીધાં છે?
સુપ્રીમ કોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે, અમે ન્યૂઝ ચેનલો પર સતત જોઈ રહ્યા છીએ કે દિલ્હીમાં પાણીને લઈને કેવી રીતે હંગામો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે પાણીનું વહન કરવામાં આવે છે. આ વિશે શું કરવામાં આવ્યું હતું? કોર્ટે હિમાચલ પ્રદેશ સરકારના વકીલને સવાલ કર્યો કે શું હરિયાણાને દરરોજ 137 ક્યુસેક વધારાનું પાણી આપવામાં આવે છે કે નહીં. સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર, દિલ્હી સરકારના વકીલે કહ્યું કે અમે ઘણા પગલાં લીધા છે.
દિલ્હી સરકારના વકીલે કહ્યું કે, દિલ્હી પોલીસે ગેરકાયદેસર રીતે પાણીનું પરિવહન કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે દિલ્હી સરકારના વકીલને કહ્યું કે, અમને જણાવો કે તમે પાણીનો બગાડ અને પાણીની ગેરકાયદેસર ખરીદી રોકવા માટે શું કર્યું છે.
દિલ્હીની કેજરીવાલ સરકારમાં જળ મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો છે કે હરિયાણા સરકાર તેના હિસ્સાનું પાણી છોડતી નથી. આ સંબંધમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે હરિયાણા અને હિમાચલ પ્રદેશ દ્વારા યોગ્ય પાણી છોડવામાં આવે.
AAP નેતા આતિશીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે હરિયાણા સરકાર જાણી જોઈને અને ગેરકાયદેસર રીતે પાણી પુરવઠાને અવરોધે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી હરિયાણા સરકારની એફિડેવિટને ટાંકીને તેમણે કહ્યું કે, હરિયાણા સરકાર ખોટું બોલી રહી છે કે તેમણે દિલ્હીને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડ્યું છે. દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ હાલમાં જ આતિશીના આરોપનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે દિલ્હીને પાણી આપવામાં આવી રહ્યું છે.