Site icon Revoi.in

દેશમાં 1 ઓક્ટોબર સુધી બુલડોઝરની કાર્યવાહી નહીં થાય, સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે કે, તેઓ સુનાવણીની આગામી તારીખ 1 ઓક્ટોબર સુધી કોર્ટની પરવાનગી વિના ભારતમાં ક્યાંય પણ મિલકત તોડી ન શકે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આ આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથ વગેરે પરના કોઈપણ અનધિકૃત બાંધકામને લાગુ પડશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ગેરકાયદેસર તોડી પાડવાનો એક પણ કેસ હોય તો તે આપણા બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.

સુપ્રીમ કોર્ટે આદેશ કરતા કહ્યું કે, જો ગેરકાયદેસર તોડી પાડવાનો એક પણ કેસ હોય તો તે આપણા બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, દેશભરમાં અધિકારીઓ ગુનાના આરોપીઓની પરવાનગી વગર મિલકતો તોડી નહીં પાડે.

આ કેસમાં જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને અન્ય પર અતિક્રમણ કરાયેલા બાંધકામોને લાગુ પડશે નહીં. તમને જણાવી દઈએ કે ટોચની અદાલત ઘણા રાજ્યોમાં ગુનાના આરોપીઓની સંપત્તિને તોડી પાડવાનો આરોપ લગાવતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી.

સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને જણાવ્યું હતું કે, મિલકતોને તોડી પાડવા અંગે એક વાર્તા બનાવવામાં આવી રહી છે. આના પર બેન્ચે વરિષ્ઠ કાયદા અધિકારીને કહ્યું કે, આરામ કરો કે બહારના અવાજની અમને અસર નથી થઈ રહી. આ સાથે ખંડપીઠે કેસની આગામી સુનાવણી 1 ઓક્ટોબર નક્કી કરી છે.