નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ અધિનિયમની કલમ 124A પર મનાઈ હુકમ ફરમાવ્યો છે એટલું જ નહીં સર્વોચ્ચ અદાલતે તમામ પેન્ડિંગ કેસ પર સ્ટે પણ મૂક્યો છે. તેમજ કેન્દ્ર સરકારને કાયદા અંગે ફરીથી વિચારણા કરવા નિર્દેશ કર્યો હતો. તેમજ તાકીદ કરી હતી કે, આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવામાં આવશે નહીં અને આ અંતર્ગત જેલમાં રહેલા લોકો કોર્ટમાંથી જામીન માંગી શકશે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં રાજદ્રોહ કાયદાને પડકારતી અરજીઓની સુનાવણી થઈ હતી.
કેન્દ્ર સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કોગ્નિઝેબલ ગુનાની નોંધણીને અટકાવવી યોગ્ય નથી. જો કે, આવા કેસોની તપાસ કરવા માટે એક જવાબદાર અધિકારી હોવો જોઈએ અને કેસની ન્યાયિક સમીક્ષા થવી જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્રનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સર્વોચ્ચ અદાલતને કહ્યું કે, જ્યાં સુધી રાજદ્રોહના પેન્ડિંગ કેસોનો સંબંધ છે, દરેક કેસની ગંભીરતા અલગ-અલગ હોય છે. કેટલાક કેસમાં આતંકવાદી કનેક્શન હોઈ શકે છે અને કેટલાકમાં મની લોન્ડરિંગ કનેક્શન હોઈ શકે છે. આખરે પેન્ડિંગ કેસો કોર્ટ સમક્ષ સબ-જ્યુડીસ છે અને આપણે કોર્ટ પર વિશ્વાસ રાખવો જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે, રાજદ્રોહની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકતો કોઈપણ આદેશ પસાર કરવો અયોગ્ય રહેશે. આને બંધારણીય બેંચે યથાવત રાખ્યા છે.