નવી દિલ્હીઃ જેલમાં ગયા પછી પણ અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા સામેની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે અમે આવું ન કરી શકીએ. અરજીકર્તાએ કહ્યું કે સીએમ કેજરીવાલ અંગત સ્વાર્થને કારણે પદ છોડી રહ્યા નથી. કેજરીવાલના જેલમાં રહેવાને કારણે ઘણા મહત્વપૂર્ણ કામો પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આને જોવું એલજીના અધિકારક્ષેત્રમાં છે. કોર્ટ કોઈને પણ પદ પરથી હટાવવાનો આદેશ આપી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, આ યોગ્યતાનો મામલો છે, પરંતુ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની માંગ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા કેસમાં ED દ્વારા ધરપકડ બાદ કોર્ટમાં કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જો કે, ઘણી વખત કેજરીવાલ પોતે અને અન્ય AAP નેતાઓએ કહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદ પર રહેશે.
તિહાડ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે, ભાજપ દિલ્હીમાં સરકારને ગબડાવવા માટે મારું રાજીનામું ઈચ્છે છે, પરંતુ હું આવું થવા દઈશ નહીં. તેમણે દાવો કર્યો હતો કે, “તેઓ દિલ્હી સરકારને પાડી શક્યા નથી.” તેઓ અમારા ધારાસભ્યોને તોડી શક્યા નથી. તેમની આખી યોજના નિષ્ફળ ગઈ.”