Site icon Revoi.in

ભારતીય કંપનીઓ દ્વારા ઈઝરાયલને હથિયાર નિકાસને લઈને થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Social Share

નવી દિલ્હીઃ ગાઝામાં યુદ્ધ માટે ભારત અને ભારતીય કંપનીઓને ઇઝરાયેલને શસ્ત્રો અને લશ્કરી સહાય પૂરી પાડવાથી રોકવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, તે દેશની વિદેશ નીતિના ક્ષેત્રમાં દખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું, “જો ઇઝરાયેલ નિકાસ પર પ્રતિબંધ મૂકાય છે, તો ઇઝરાયેલમાં શસ્ત્રોની નિકાસ સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ પર કરારની જવાબદારીઓના ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે.

અહેવાલ મુજબ, CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની સુપ્રીમ કોર્ટની બેંચ અશોક કુમાર શર્મા અને અન્યો દ્વારા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કેન્દ્રને નિર્દેશ આપવાની માંગણી કરાઈ હતી કે, ઇઝરાયેલને શસ્ત્રો અને અન્ય લશ્કરી સાધનોની નિકાસ કરતી ભારતીય કંપનીઓના લાઈસન્સ કરે, એટલું જ નહીં તેમને નવા લાઇસન્સ ન આપે. અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો કે ઈઝરાયેલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે. તેથી, ભારતીય શસ્ત્રોની નિકાસ એ નરસંહારના ગુનાના નિવારણ અને સજા પરના કન્વેન્શનનું ઉલ્લંઘન હશે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે, વિદેશી દેશો સાથે સંબંધિત મામલાઓ કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્રમાં છે. તેમણે એ પણ અવલોકન કર્યું કે, અરજદારો દ્વારા માંગવામાં આવેલી રાહત આપવા માટે, સુપ્રીમ કોર્ટે ઇઝરાયેલ સામેના આરોપો પર નિષ્કર્ષ કાઢવો પડશે, જે એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તે ભારતીય અદાલતોના અધિકારક્ષેત્રને આધિન નથી. CJI ચંદ્રચુડે કહ્યું, “શું અમે નિર્દેશ આપી શકીએ કે તમે UN નરસંહાર સંમેલન હેઠળ ઇઝરાયેલમાં નિકાસ પર પ્રતિબંધ લગાવો. ત્યાં શા માટે પ્રતિબંધ છે? કારણ કે તે વિદેશ નીતિને અસર કરે છે અને અમને ખબર નથી કે તેની શું અસર થશે.”

અત્યાધુનિક સંરક્ષણ તકનીકો અને લશ્કરી હાર્ડવેરમાં વધતા સહકાર સાથે ભારત અને ઇઝરાયેલ નજીકના વ્યૂહાત્મક ભાગીદારો છે. જ્યાં ઈઝરાયેલ ભારતને સર્વેલન્સ અને સાયબર સુરક્ષા પ્રણાલી સહિત આતંકવાદ વિરોધી ઉપકરણો પ્રદાન કરી રહ્યું છે.