નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને અન્યને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) 2024ને રદ કરવા અને મેડિકલ પ્રવેશમાં કથિત ગેરરીતિઓની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસની માંગ કરતી અરજીઓ જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે NTA દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પક્ષકારો પાસેથી જવાબ પણ માંગ્યો હતો જેમાં હાઈકોર્ટમાં પડતર કેટલીક અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ અરજીઓ પર 8 જુલાઈએ સુનાવણી કરશે.
મેડિકલ પ્રવેશ પરીક્ષામાં હાજર રહેલા 20 વિદ્યાર્થીઓ વતી દાખલ કરાયેલી અરજીમાં NTA અને અન્યને પરીક્ષા નવેસરથી આયોજિત કરવા માટેના નિર્દેશોની પણ માંગ કરવામાં આવી છે. અગાઉ 18 જૂનના રોજ, NEET-UG 2024 પરીક્ષા સંબંધિત અન્ય અરજીઓ પર સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પરીક્ષા આયોજિત કરવામાં કોઈની તરફથી ‘0.001 ટકા બેદરકારી’ હોય તો પણ તેની સામે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે NEET-UG 2024 માં કથિત અનિયમિતતાઓની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની વિનંતી કરતી અરજીઓ પર કેન્દ્ર અને NTA પાસેથી જવાબ માંગ્યો હતો.