મથુરામાં શાહી ઈદગાહના સર્વે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, 23 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મથુરામાં શાહી ઈદગાહમાં સર્વે પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને સ્પર્શતી શાહી ઈદગારમાં અદાલતના નિરીક્ષણમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહના સર્વેક્ષણ પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર જવાબ માંગ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ગત વર્ષ 14 ડિસેમ્બરે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને સ્પર્શતી શાહી ઈદગાહ પરિસારના સર્વેને મંજૂરી આપી હતી. તેની વિરુદ્ધ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
શાહી ઈદગાહમાં સર્વેની માગણી માટે ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન અને અન્ય સાત લોકોએ વકીલ હરિશંકર જૈન, વિષ્ણુશંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકીનંદનના માધ્યમથી અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એએસઆઈ સર્વેની માગણી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થાન મસ્જિદની નીચે છે અને ત્યાં ઘણાં સંકેત છે જે સ્થાપિત કરે છે કે મસ્જિદ એક હિંદુ મંદિર હતું.
હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને કહ્યુ હતુ કે અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ આ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કે ત્યાં એક કમળના આકારનો સ્તંભ છે, જે હિંદુ મંદિરોની વિશેષતા છે.
આ સિવાય ત્યાં શેષનાગની એક છબી પણ છે, જે હિંદુ દેવતાઓમાંથી એક છે. તેમણે જન્મવાળી રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. અદાલતમાં એ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું કે મસ્જિદના સ્તંભોની નીચેના બાગમાં હિંદુ ધાર્મિક પ્રતીકો અને નક્શીકામ છે. અરજદારે કોર્ટને અનુરોધ કર્યો હતો કે કેટલાક નિર્ધારીત સમયગાળાની અંદર શાહી ઈદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા બાદ પોતાના રિપોર્ટને રજૂ કરવા માટે વિશિષ્ટ નિર્દેશોની સાથે કમિશનની નિયુક્તિ કરી શકાય છે.