Site icon Revoi.in

નર્મદા ડેમની સપાટીમાં મહિનામાં 7 મીટરનો વધારો, 57 ટકા પાણીનો સંગ્રહ થયો

Social Share

અમદાવાદઃ રાજ્યમાં શ્રાવણ મહિના દરમિયાન ઓછો વરસાદ પડતા ખેડુતો સહિત સરકાર પણ ચિંતિત બની હતી પણ ભાદરવા ભરપૂર બનતા ચિંતા ટળી ગઈ છે. રાજ્યમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ગયો છે.  જળાશયોમાં પણ હાલની સ્થિતિએ 70 ટકાથી વધારે જળસંગ્રહ છે. સપ્ટેમ્બર મહિનામાં રાજ્યવ્યાપી સારા વરસાદને કારણે પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. સરદાર સરોવરમાં હાલની સપાટી 122.83 મીટર છે અને 57 ટકા પાણીનો સંગ્રહ છે. ગત વર્ષે આ સમયે ડેમમાં 93 ટકાથી વધારે પાણી હતું. સરદાર સરોવરમાં હાલની સ્થિતિએ પાણીનો કુલ જથ્થો 5.430 લાખ કરોડ લીટર છે પણ લાઇવ સ્ટોરેજ (ઉપયોગમાં લઇ શકાય એવો પાણીનો જથ્થો) 1700 એમ.સી.એમ. એટલે કે 1.700 લાખ કરોડ લીટર પાણી છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં પાણીની સપાટીમાં 7 મીટરનો વધારો થયો છે. સરદાર સરોવરમાં આખા રાજ્યને 7 મહિના સુધી પીવા માટે તકલીફ ના પડે એટલુ લાઈવ સ્ટોરેજ છે.

રાજ્યમાં આજે શુક્રવારે બપોર સુધીમાં 23 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં દેવ ભૂમિ દ્વારકામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. સિઝનનો વરસાદ જોઈએ તો રાજયમાં 34 તાલુકાઓમાં સરેરાશ વરસાદ 100 ટકાથી વધુ થયો છે. જેમાં સૌરાષ્ટ્રના 23 તાલુકાઓ છે. રાજકોટના લોધિકામાં 195 ટકા, જામનગરમાં 182 ટકા વરસાદ થયો છે. 19 તાલુકાઓમાં વરસાદની ટકાવારી 50 ટકાથી ઓછી છે. રાજ્યના 4 તાલુકાઓમાં 10 ઇંચથી ઓછો વરસાદ થયો છે. આ વર્ષે જૂનમાં 5 ઇંચ, જુલાઇમાં 7, ઑગસ્ટમાં 1.5, સપ્ટેમ્બરમાં 12 ઇંચ સરેરાશ વરસાદ થયો છે. સમગ્ર રાજ્યમાં તમામ જળાશયોમાં કુલ 70 ટકા જળસંગ્રહ છે સરદાર સરોવરમાં પાણીનો લાઈવ જથ્થો 1.700 લાખ કરોડ લિટર છે. ગુજરાતની હાલની અંદાજિત વસ્તી 6.79 કરોડ છે. પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન 120 લિટર ની ગણતરીએ સરદાર સરોવરનું પાણી 7 મહિના આસપાસ ચાલી શકે તેમ છે.