ભૂજઃ કચ્છનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. જેમાં 5000 વર્ષ જૂની બેનમૂન હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં સચવાયેલા પડયાં છે તે ધોળાવીરાને’ તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરાયા બાદ રોડ ઉપરાંત વિમાની અને રેલ’ સહિતની સેવાઓથી ધોળાવીરાને જોડવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા વિશ્વ ધરોહર ધોળાવીરાને રેલવે સુવિધા સાથે કઈ રીતે જોડી શકાય તે માટેની શકયતા ચકાસવા કેન્દ્ર સરકાર દ્વારા આદેશ અપાયા બાદ રેલવે લાઈન માટે સર્વે કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના ધોળાવીરાને રેલવે સાથે જોડવામાં આવશે તો પછાત ગણાતા આ વિસ્તારનો પ્રવાસન ક્ષેત્રે સારોએવો વિકાસ થશે. રેવલે દ્વારા હાલ સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યના વિકાસને ધ્યાનમાં લઈને આ સર્વેને’ ખાવડા સુધી કરવામાં આવે તેવું સૂચન કચ્છના સાંસદ દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીધામ એરિયાના વહીવટી તંત્રના’ સંબંધિત અધિકારીઓને આ સર્વે કરવા અંગે સૂચના આપી દેવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, રેલવે મંત્રાલયની આ સૂચના અંતર્ગત રાપર તાલુકાના ચિત્રોડ રેલવે સ્ટેશન ખાતે રહેલી મુખ્ય લાઈનથી વાયા રાપર થઈ ધોળાવીરા સુધી રેલવે લાઈન કઈ રીતે પાથરી શકાય, તે વિસ્તારમાં ખાનગી, સરકારી કે વ્યાવસાયિક જમીનો કેટલી છે, આ વિસ્તારમાં પ્રવાસી ટ્રેનની સાથોસાથ માલપરિવહન માટે માળખાંકીય સુવિધા શું ઊભી થઈ શકે તે’ સહિતની બાબતોનો સર્વે કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કચ્છના રાપર અને આસપાસના વિસ્તારમાંથી મુંબઈ આવતા જતા લોકોનો ટ્રાફિક મળે તેમ છે. ધોળાવીરાથી આગળ રેવન્યૂ જનરેટ માટે બીજી કોઈ શકયતા શું, આ સંદર્ભે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ચિત્રોડથી ધોળાવીરા સુધીના સર્વેને ઘડુલી-સાંતલપુર’ રણમાર્ગે ખાવડા સુધી આ સર્વે કરવા’ સૂચન’ કર્યું છે. ખાવડા આસપાસના નમકના એકમોનું માલપરિહવન ખાવડા- ધોળાવીરા, રાપર થઈ’ દિલ્હી લાઈન ઉપરથી થઈ શકે અને ભવિષ્યમાં હાજીપીર, કોટેશ્વર, નારાયણ સરોવર સુધીના કાંઠાળ વિસ્તારને પણ રેલવે સુવિધાથી જોડી શકાય તેમ છે. ચિત્રોડથી ધોળાવીરાના સર્વેમાં રાપર પણ રેલવે સેવાથી જોડાઈ જશે. એક અંદાજ મુજબ રાપર શહેરથી બેથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં જ રેલવે મથક બની શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદની સૂચનાના આધારે તાજેતરમાં જ રેલવેના બે અધિકારીઓ શકયતા ચકાસવા રાપર આવ્યા હતા. રાપરને રેલવે સેવા મળે તે માટે તાલુકાના અગ્રણીઓ દ્વારા છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. મંત્રાલય દ્વારા સપ્તાહ પૂર્વે જ આ સર્વેની સૂચના આપવામાં આવી હતી, ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રીએ અચાનક ધોળાવીરાની મુલાકાત લીધી હતી.