સ્વાતિ માલીવાલ કેસની તપાસ હવે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ કરશે
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસની તપાસ માટે દિલ્હી પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ગઈકાલે સાંજે દિલ્હી પોલીસની ટીમ બિભવ કુમાર સાથે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી. આ સમય દરમિયાન, ઉત્તર જિલ્લાના અધિક નાયબ પોલીસ કમિશનર અંજિતા ચેપાયના અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. કેસની તપાસ માટે રચાયેલી સીટ તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપશે. બીજી તરફ આરોપી બિભવ કુમાર તપાસમાં સહયોગ નહીં કરતા સામે આવ્યું છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, સ્વાતિ માલીવાલ કેસમાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. SIT ટીમનું નેતૃત્વ ઉત્તર જિલ્લાના એડિશનલ DCP અંજિતા ચિપિયાલા કરશે. એસઆઈટીમાં 3 પીઆઈ અને સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીઓનો પણ સમાવેશ રવામાં આવ્યાં છે. સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે SIT તેનો તપાસ રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને સોંપશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 13 મેના રોજ સવારે શું બન્યું હતું? સમગ્ર ઘટના જાણવા પોલીસે બિભવની હાજરીમાં ઘટનાસ્થળનું પુનરાવર્તન કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે બિભવ પૂછપરછમાં વધુ સહકાર આપી રહ્યો નથી. તે માત્ર હા કે નામાં જ જવાબ આપે છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને કેસ સાથે જોડાયેલ દરેક કડીને જોડવાનો પ્રયાસ કરી રહી છે.