નવી દિલ્હીઃ હરિયાણામાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં બાદ બહુમતી મેળવનાર ભાજપાએ નવી સરકારની રચનાની કવાયત શરૂ કરી હતી. તા. 15મી ઓગસ્ટના રોજ મંગળવારે નવી સરકારના શપથગ્રહણ સમારોહ યોજાશે. પંચકુલા સેક્ટર 5ના પરેડ ગ્રાઉન્ડમાં આ શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતા ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં એનડીએ શાસિત રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. શપથગ્રહણ સમારોહમાં એક લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. આ સમારોહ માટે ટોચના ઉદ્યોગપતિ અને જાણીતી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવશે.
મંગળવારે સીએમ તરીકે નાયબ સિંહ સૈની ઉપરાંત 12 નેતાઓ પણ શપથગ્રહણ કરી શકે છે. નવી નાયબ સિંહ સૈની સરકારમાં અનિજ બિજ, કૃષ્ણ બેદી, કૃષ્ણલાલ પંવાર, અરવિંદ શર્મા, કૃષ્ણ મિડ્ડા, મહિપાલ ઠાંડા, મૂલચંદ શર્મા, લક્ષ્મણ યાદવ, રાવ નરબીર, સુનીલ સાંગવાન, વિપુલ ગોયલ, તેજપાલ તંજરને પણ મંત્રી બનાવવામાં આવે તેવી શકયતા છે.
વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત બાદ નાયબ સિંહ સૈની બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. ભાજપે ચૂંટણી દરમિયાન સંકેત આપ્યો હતો કે જો સૈની, જેમણે માર્ચમાં મુખ્ય પ્રધાન તરીકે મનોહર લાલ ખટ્ટરને સ્થાન આપ્યું હતું જો તેઓ જીતે છે, તો તેઓ ટોચના પદ માટે પક્ષની પસંદગી હશે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો મેળવીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, આ ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારોએ પણ ભાજપને સમર્થન આપ્યું છે. જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. આ સિવાય આ ચૂંટણીમાં JJP અને AAPનો સફાયો થયો હતો અને INLD માત્ર બે બેઠકો જીતવામાં સફળ રહી હતી.