ગુજરાતમાં ઉત્તરાયણમાં કોરોનાના સંક્રમણને લઈને તંત્ર ચિંતિત
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર દેશમાં જાણીતી છે. બીજી તરફ હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઉત્તરાયણને લઈને લોકો મોટી સંખ્યામાં પતંગ અને માજાની ખરીદી કરવા ઉમટી પડવાની શકયતાઓ વ્યક્ત થઈ છે. જેથી આ સમયગાળો તંત્ર માટે મુશ્કેલી ભર્યો રહેવાની શકયતા છે. ગુજરાત હાઈકોર્ટે એક અરજીની સુનાવણીમાં તાજેતરમાં સરકારને ટકોર કરી હતી કે, તા. 14મી જાન્યુઆરી સુધી સાવધાની રાખવી પડશે.
ઉત્તરાયણને લઇને એક જનહિતની અરજી પર સુનાવણી કરતાં હાઇકોર્ટે કહ્યું કે દિવાળી પછી કોરોના ઝડપથી ફેલાયો હતો. ઉત્તરાયણ બાદ પણ આ સ્થિતિ થઇ તો કોણ જવાબદાર રહેશે. ઉત્તરાયણથી વર્ષ 2021 ખરાબ ન થાય, તે જોવાની જવાબદારી સરકારની છે. કોર્ટે કહ્યું કે 24 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી સાવધાની રાખવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની ગાઈડલાઈનના પાલનને લઈને સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો માસ્ક નહીં પહેરતા હોવાનું તથા સામાજીક અંતર નહીં જાળવા હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં માસ્ક નહીં પહેરનારા 23.64 લાખ લોકોને ઝડપી લઈને તેમની પાસેથી 116 કરોડનો દંડ વસુલ્યો છે. માસ્ક નહીં પહેરનારાઓને ઝડપી લેવા માટે પોલીસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.