ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે દેશભરના પ્રાકૃતિક કૃષિ તજજ્ઞોની ચિંતન બેઠક-કાર્યશાળા યોજાઈ હતી. હરિયાણામાં કુરુક્ષેત્ર ખાતે આયોજિત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતોની આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રમાણિકરણ માટે સચોટ અને સરળ પદ્ધતિ વિકસાવવા તથા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના માનદંડ નિર્ધારણ કરવા અંગે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો.
હરિયાણાના કુરુક્ષેત્રમાં 180 એકરના પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. કુરુક્ષેત્ર ખાતે આયોજિત આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય બજાર મળે, યોગ્ય ભાવ મળે અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને ખાતરીબદ્ધ ઉત્પાદનો મળે એ હેતુથી યોગ્ય માનદંડ નક્કી થાય અને ચોક્કસ નીતિ ઘડતર થાય એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રમાણિકરણ-સર્ટિફિકેશનની પદ્ધતિ સરળ, સચોટ અને ઝડપી હોય એ જરૂરી છે એમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ બેઠકમાં કૃષિ વિશેષજ્ઞો અને કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધતાં કહ્યું હતું કે, સંશોધનોમાં આવ્યું છે કે, આપણે જે ઘઉં અને ચોખા ખાઈએ છીએ તેમાં જરૂરી પોષક તત્વો છે જ નહીં, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગથી અનાજ, ફળ અને શાકભાજીના માધ્યમથી ધીમું ઝેર આપણા શરીરમાં પ્રવેશી થયું છે. પરિણામે આપણે ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ. ગ્લોબલ વૉર્મિંગ માટે પણ રાસાયણિક ખેતી 24% જવાબદાર છે. તો સામે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જમીનની ગુણવત્તા અને કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા સુધરે છે. સૌને સ્વાસ્થ્યપ્રદ અનાજ મળે છે. ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે છે. એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીના પાક વધુ મજબૂત અને સક્ષમ હોવાથી કુદરતી આફતો વખતે ખેડૂતોને ઓછું નુકસાન વેઠવું પડે છે. આ તમામ બાબતો કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધનો પછી સાબિત થઈ છે, પરિણામે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે અને વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેત ઉત્પાદનો ખરીદવા આગળ આવી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રમાણિકરણ માટે ચોક્કસ નીતિ નિર્ધારણ થાય તે વર્તમાન સમયની માંગ છે. આ દિશામાં વિચાર-વિમર્શ કરવા હજુ વધુ બેઠકો યોજાશે.