અમદાવાદઃ રાજ્યમાં આજે શુક્રવારે 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગે આગામી 26 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. દરમિયાન આજે હળવદ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ અને આજે સવારથી અત્યાર સુધીમાં વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
ડભોલી અને પુણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના ડભોલી, પુણાગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી હતી. એટલું જ નહીં કેટલીક જગ્યાએ તો ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ગયા હતા અને આ પાણી ભરાતા કેટલાક લોકોના વાહનો પણ વરસાદી પાણીમાં બંધ પડી ગયા હતા.