T20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમ બાર્બાડોસથી ભારત આવવા રવાના, ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે
નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા અને ભારતમાં હજુ ઉજવણીનો જ માહોલ છે. ફાઈનલ બાદ ભારતીય ટીમ ઝડપથી બાર્બાડોસથી પરત ફરે તેવી ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. વાવાઝોડાને પગલે ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ હતી. જો કે, વાવાઝોડુ સમી જતા ભારતીય ટીમ બાર્બાડોસથી વતન જવા રવાના થઈ ગઈ છે. શનિવારે T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયા ચાર દિવસની લાંબી રાહ જોયા બાદ બ્રિજટાઉનથી ભારત માટે રવાના થઈ હતી. રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમ ગુરુવારે સવારે 6 વાગ્યે દિલ્હી પહોંચશે. ટીમના ખેલાડીઓ અને સ્ટાફ એરપોર્ટથી સીધા ITC મૌર્ય હોટેલ જશે. આ પછી ખેલાડીઓ પીએમ નરેન્દ્ર મોદીને મળશે.
ચેમ્પિયન ખેલાડીઓ સવારે 11 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. પીએમ મોદીને મળ્યા બાદ ક્રિકેટ ટીમ સીધી મુંબઈ જવા રવાના થશે. મુંબઈ પહોંચ્યા બાદ વિજયી ભારતીય ટીમની વિજયયાત્રા નીકળશે. નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય કૂચ નીકળશે. આ સમયગાળા દરમિયાન ભારતીય ક્રિકેટરો પર પુરસ્કારોનો વરસાદ પણ થવાનો છે. BCCIએ ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાના બોનસની જાહેરાત કરી છે.
ભારતે 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. ત્યારથી ભારતીય ચાહકો પોતાની ચેમ્પિયન ટીમને આવકારવા આતુર છે. પરંતુ બાર્બાડોસમાં આવેલા હરિકેન બેરીલે ભારતીય ટીમની સ્વદેશ પરત ફરવાની રાહ લંબાવી દીધી હતી. આ કારણથી ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદથી બાર્બાડોસમાં જ અટવાઈ રહી હતી. હોટલમાં બંધાયેલા ખેલાડીઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના પરિવાર અને ચાહકો સાથે જોડાયેલા રહ્યા છે. ચેમ્પિયન ખેલાડીઓએ ટી20 વર્લ્ડ કપ જીતવાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.