- તાલિબાનનો અફ્ઘાનિસ્તાનમાં આતંક
- કંધાર પર પણ કર્યો કબજો
- અફ્ઘાનિસ્તાનની 65 ટકા જમીન પર તાલિબાનનો કબ્જો
દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા 65 ટકાથી વધારે જમીન પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. હવે તાલિબાનના આતંકવાદીઓ દ્વારા વધુ એક શહેર પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. ગુરુવારે તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેઓએ દક્ષિણી શહેર કંધાર પર કબજો કર્યો છે. કંધાર સમગ્ર દેશમાં બીજું સૌથી મોટું શહેર પણ છે અને અફઘાનિસ્તાનની 34માંની 12મી પ્રાંતીય રાજધાની છે.
જો કે સરકારી અધિકારીઓ હવાઈ માર્ગ દ્વારા ભાગીને અન્ય સ્થળે પહોંચી ગયા હતા. હેરાત પર કબજો મેળવવો તે તાલિબાનીઓ માટે અત્યાર સુધીનો સૌથી હુમલો છે. એક અઠવાડિયા સુધી ચાલેલા હુમલામાં તાલિબાને અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી 11 કબજે કરી છે.
જો કે કાબુલ હજી સુધી સીધી રીતે જોખમમાં નથી, પણ તાલિબાનની પકડ વધુ મજબૂત થઈ રહી છે. એવો અંદાજ પણ લગાવામાં આવી રહ્યો છે કે છે કે તાલિબાન હવે દેશના બે તૃતીયાંશ ભાગ પર નિયંત્રણ ધરાવે છે.
અમેરિકાના સૈન્યએ જ્યારથી વતન પરત ફરવાની શરૂઆત કરી છે ત્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધી ગયો છે અને સરકાર જેવું પણ કાંઈ રહ્યું નથી. જાણકારી અનુસાર અફ્ઘાનિસ્તાનની સેના પોતાની ચોકીઓને મુકીને નાસી ભાગી રહી છે જે સામાન્ય લોકો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.
આ પહેલા બુધવારે તાલિબાનીઓએ પણ અફઘાન સૈન્યને ઘૂંટણિયે લાવીને કુન્દુઝ પ્રાંતનો મોટો ભાગ કબજે કર્યો હતો. તે જ સમયે, અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને સંભાળવા માટે કતારમાં વાતચીત ચાલી રહી છે, જ્યાં અફઘાન સરકાર તરફથી હાજર રહેલા વાટાઘાટાકારોએ યુદ્ધ સમાપ્ત કરવાના બદલામાં તાલિબાનને મોટી ઓફર કરી છે. જેમાં સરકારમાં વહેંચણી થાય તેવી વાત કરવામાં આવી છે.