નવી દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તે પછી એવું લાગતું હતું કે તે પાકિસ્તાન સાથે સારો વ્યવહાર કરશે. જો કે વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો તાલિબાન પાકિસ્તાનને કોઈ સહયોગ નથી કરી રહ્યું, ઉલટું સરહદ વિવાદને લઈને બંને દેશોમાં તણાવ ઉભો થયો છે. ખરાબ અર્થતંત્ર અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પણ યુદ્ધની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનની વાત કરીએ તો તે પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ભારત તરફ જોઈ રહ્યું છે. અફઘાનિસ્તામાં તાલિબાનના કબજા પછી પણ ભારતે અફઘાન લોકોને અનાજ મોકલીને મદદ કરી હતી.
હવે અફઘાનિસ્તાને ફરી એકવાર તેની અર્થવ્યવસ્થા સુધારવા માટે ભારતની મદદ માંગી છે. તેમણે ભારતના ખાનગી ક્ષેત્રમાં રોકાણ કરવા કહ્યું છે જેથી કરીને તેમની આર્થિક સ્થિતિ સુધારી શકાય. ગયા અઠવાડિયે તાલિબાનના શહેરી વિકાસ મંત્રીએ ભારતની ટેકનિકલ ટીમના વડા ભરત કુમાર સાથે બેઠક યોજી હતી. તાલિબાન ઈચ્છે છે કે, ભારત તેમને નવું કાબુલ શહેર બનાવવામાં મદદ કરે.
ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારતે પોતાના રાજદ્વારી સંબંધો બંધ કરી દીધા હતા. જો કે આ વર્ષે જૂનમાં ભારતથી એક ટેકનિકલ ટીમ કાબુલ મોકલવામાં આવી હતી. છેલ્લા બે દાયકામાં ભારતે અફઘાનિસ્તાનમાં લગભગ $3 બિલિયનનું રોકાણ કર્યું છે. ભારત મુખ્યત્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરે છે. ભારતે પોતે અફઘાનિસ્તાનની સંસદની ઇમારત બનાવી છે. હેરાતમાં ફ્રેન્ડશીપ ડેમ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હબીબા હાઈસ્કૂલનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે.