નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની સંખ્યામાં 51 ટકાનો વધારો થયાનો સ્થાનિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આમ આતંકવાદ અને તાલિબાનની પડખે ઉભું દેખાતું પાકિસ્તાન હવે પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી છે, તાલિબાન હવે પાકિસ્તાન માટે જ જોખમી બની રહ્યું છે.
ઇસ્લામિક કટ્ટરપંથી જૂથ તાલિબાને ગયા વર્ષે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો મેળવ્યો હતો. યુએસ સૈનિકો પાછા ફરતા તાલિબાને સત્તા સંભાળી હતી. તાલિબાન માટે આ પ્રતીકાત્મક જીત હતી કારણ કે વિશ્વની મહાસત્તા બે દાયકાના રક્તપાત પછી પણ તાલિબાનને અટકાવી શકી ન હતી. બીજી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં વધારો થતા શરીફ સરકારમાં ગભરાટ ફેલાયો છે, કારણ કે આવનારા સમયમાં આ આંકડો વધુ વધી શકે છે.
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ સ્ટડીઝ (PIPS) એ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અને પાકિસ્તાનની નીતિ પ્રતિક્રિયા પર પ્રકાશિત અહેવાલમાં જણાવ્યું હતું કે, “કાબુલમાં આતંકવાદી શાસનને પગલે પાકિસ્તાન ઉપર જોખમ વધ્યું છે અને એક વર્ષમાં આતંકવાદી હુમલાની ઘટનામાં 51 ટકાનો વધારો થયો છે. PIPS રિપોર્ટ અનુસાર, 15 ઓગસ્ટ, 2021થી 14 ઓગસ્ટ, 2022 સુધીના સમયગાળામાં પાકિસ્તાનમાં 250 આતંકવાદી હુમલા થયા હતા જેમાં 433 લોકોના મોત થયા અને 719 લોકો ઘાયલ થયા હતા.