બોલો હવે તાલિબાનને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓને સંબોધન કરવા છે – બેઠકમાં સામેલ થવાની માંગ કરતો યૂએનના મહાસચિવને લખ્યો પત્ર
- તાલિબાને યૂએન મહાસચિવને પત્ર લખ્યો
- પત્રમાં તાલિબાનને સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આવવાની મંજૂરી માંગી
દિલ્હીઃ- તાલિબાને અફઘાનિસ્તાન પર પોતાની હુકુમત જમાવ્યાને દોઢ મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના પ્રયાસો છતાં હજુ સુધી કોઈ પણ દેશ તાલિબાનને સત્તાવાર રીતે માન્યતા આપી રહ્યું નથી, હવે તાલિબાને કહ્યું છે કે તેમને ન્યૂયોર્કમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપીને વિશ્વના નેતાઓને સંબોધિત કરવાની મંજૂરી મળવી જોઈએ. આ માટે તાલિબાને દોહામાં તેના પ્રવક્તા સુહેલ શાહીનને સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના રાજદૂત તરીકે પણ નિયુક્ત કર્યા છે.
સોમવારે આ બાબતે તાલિબાનના વિદેશ મંત્રી આમીર ખાન મુત્તકીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને પત્ર લખ્યો હતો. મુત્તકીએ આ પત્રમાં માંગણી કરી છે કે તેને અફઘાનિસ્તાન તરફથી યુએનજીએમાં બોલવાની છૂટ આપવી જોઈએ. યુએનજીએની બેઠક આવનારા સોમવારે સમાપ્ત થવાની છે.
ગુટેરેસના પ્રવક્તા ફરહાન હકે મુત્તકીના પત્રની પ્રાપ્તિની પુષ્ટિ કરી છે,છેલ્લા મહિના સુધી ગુલામ ઇઝાક્જલ યુએનમાં અફઘાન સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. જોકે, તાલિબાને તેમના પત્રમાં લખ્યું હતું કે ઇઝાક્જલનું મિશન પૂરું થઈ ગયું છે અને તે હવે અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતું નથી.
તાલિબાનનો પત્ર સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન મેળવવા માટે નવ સભ્યોની ઓળખપત્ર સમિતિને મોકલવામાં આવ્યો છે. આ સમિતિમાં અમેરિકા, ચીન, રશિયા પણ સભ્યો છે. આ સિવાય, સમિતિમાં બહામાસ, ભૂટાન, ચિલી, નામિબિયા, સીએરા લિયોન અને સ્વીડનનો પણ સમાવેશ થાય છે. જો કે, આગામી સોમવાર પહેલા આ સમિતિની બેઠક અશક્ય છે, તેથી યુએન જનરલ એસેમ્બલીમાં તાલિબાનના વિદેશ મંત્રીના સંબોધનની શક્યતા નહિવત જોવા મળે છે.
જો યુએન તાલિબાન રાજદૂતને માન્યતા આપે છે, તો આ વાત ઇસ્લામિક કટ્ટરવાદી જૂથ માટે આંતરરાષ્ટ્રીય માન્યતામાં એક મોટું પગલું હશે. આંતરરાષ્ટ્રીય માન્યતા અફઘાનિસ્તાનમાં નાણાકીય સહાયના દરવાજા ખોલી શકે છે.આ પહેલા યૂએનના સચિવ ગુટેરેસે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માન્યતા એ એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા અન્ય દેશો તાલિબાન પર સમાવેશી સરકાર અને માનવ અધિકારો, ખાસ કરીને મહિલા અધિકારો માટે આદર માટે દબાણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા, 1996 થી 2001 વચ્ચે, જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું, ત્યારે અફઘાનિસ્તાનની ચૂંટાયેલી સરકારના માત્ર યુએન રાજદૂત જ દેશનું પ્રતિનિધિત્વ કરતા હતા. તે સમયે ઓળખપત્ર સમિતિએ તાલિબાન રાજદૂતને સીટ આપવાનો ઇનકાર કર્યો હતો.