Site icon Revoi.in

વડનગરમાં યોજાનારા તાના-રીરી મહોત્સવ ફેસબુક અને યુ-ટ્યુબ પર લાઈવ જોઈ શકાશે

Social Share

મહેસાણાઃ સંગીત બેલડી તાના-રીરીની યાદમાં વડનગરમાં તા. 12 અને 13ના રોજ તાના-રીરી મહોત્સવ યોજાશે. તાના-રીરી મહોત્સવ લોકો ઘેરબેઠાં પણ જઇ શકે તે માટે ફેસબુક અને યુ-ટ્યૂબ પર જીવંત પ્રસારણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે જિલ્લાના મુખ્ય શહેરોમાં એલઇડી સ્ક્રિન લગાવાશે, જેના માધ્યમથી સંગીત રસિકો આ મહોત્સવ નિહાળી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ તાનારીરી સંકુલમાં તા.12મી સાંજે 7.30 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે. બે દિવસ સંગીતનો જલસો જામશે. જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે કહ્યું કે, તાના-રીરી મહોત્સવમાં 1000 બેઠકની જ પરવાનગી માંગેલી છે. કલારસિકો આ કાર્યક્રમની મજા ઘરેબેઠાં પણ માણી શકે તે માટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુ ટ્યૂબના માધ્યમથી નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાશે. જિલ્લાના શહેરોમાં એલઇડી સ્ક્રિન મૂકાશે.

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે યોજાતા આ તહેવારની ઉજવણી આ વર્ષે પણ ગરીમાપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં તાના-રીરી સમાધિ સ્થળ ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરે વિવિધ કમિટીઓના અધિકારીઓ સાથે સંકલન સાધી તમામ તૈયારીઓ માટે વિગત ચર્ચા કરી હતી. આગામી તા.13મીને શનિવારે સાંજે યોજાનારા તાના-રીરી મહોત્સવમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ, રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતાર જુગલબંધીની પ્રસ્તુતિ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાના-રીરી મહોત્સવમાં દર વર્ષે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ મુખ્યંત્રીના હસ્તે આપવામાં આવશે. કવિતા કિર્ષ્ણમુર્તિ અને વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આ એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડમાં પ્રત્યેક વિજેતાને રૂપિયા 2 લાખ 50 હજારનો ચેક, શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવશે ( file photo)