1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તાના-રીરી ઉત્સવને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ બનાવવામાં આવશે
તાના-રીરી ઉત્સવને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ બનાવવામાં આવશે

તાના-રીરી ઉત્સવને આંતરરાષ્ટ્રીય કક્ષાનો ઉત્સવ બનાવવામાં આવશે

0
Social Share

અમદાવાદઃ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વડનગર ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે, આજનો દિવસ આટલો ભવ્ય દિવસ છે કારણ કે આજે મ્યુઝિયમ ડે છે, હું તેમાં સામેલ છું. વડનગર જેવું ઐતિહાસિક શહેર આપણા વડાપ્રધાનનું જન્મસ્થળ છે, આ શહેર ઐતિહાસિક વારસાનો ખજાનો છે. વડનગરનો ઈતિહાસ બતાવે છે કે વ્યક્તિ કેવી રીતે તમામ મુશ્કેલીઓને પાર કરી આગળ વધી શકે છે. તેથી જ આ વિશ્વ સંગ્રહાલય દિવસે આ શહેરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. માનવજાતનો ઈતિહાસ જુઓ, ઈતિહાસમાં અનેક લોકોએ પોતાની છાપ છોડી છે. એટલા માટે આ એક મહત્વપૂર્ણ દિવસ પણ છે. આપણે ભારતીયો માત્ર મહાકાવ્યો અને માત્ર વાર્તાઓમાં જીવતા લોકો નથી, પરંતુ આપણો ભવ્ય વારસો શું છે તેના ઐતિહાસિક પુરાવા આપણી પાસે છે.

તેમણે કહ્યું કે અહીં સોલંકી વંશના સમયનું વિજય તોરણ સૌથી ભવ્ય છે, આપણે આપણા ભવ્ય વારસાની આ રીતે જ સંભાળ રાખવાની છે. શર્મિષ્ઠા સરોવર જે હાઇડ્રોલિક લિફ્ટિંગ ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે પણ આવા વારસામાંથી ઘણું શીખવાનું અને જાણવા જેવું છે. આજના સમયમાં પણ કેટલીક જૂની ટેક્નોલોજી આજે પણ ઉપયોગી થઈ શકે છે. મેં બે-ત્રણ દિવસ પહેલાં સ્પેનની મુલાકાત વખતે જોયું હતું કે, ત્યાં વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે એવું થઈ રહ્યું છે કે, કાર્બન ડેટિંગ જેવી પ્રક્રિયાઓમાં અલગ-અલગ ટેક્નોલોજીના ઉપયોગને કારણે ઈતિહાસની સમયરેખામાં ફરક રહેતો હોય છે. તેથી જ મેં યુનેસ્કોને એવો નિર્દેશ આપવા વિનંતી કરી છે કે, સમગ્ર વિશ્વમાં કાર્બન ડેટિંગ જેવી પ્રક્રિયાઓ માટે કેટલીક સમાન તકનીકનો ઉપયોગ કરવામાં આવે. ક્યાં તો જ્યાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો ઉલ્લેખ કરવો જોઈએ, જ્યાં કાર્બન ડેટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની તુલના કાર્બન ડેટિંગ સાથે કરવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે જેથી કરીને આપણે કાર્બન ડેટિંગ જેવી પ્રક્રિયામાં આગળ વધી શકીએ. આ માટે સમગ્ર વિશ્વમાં થોરિયમ આધારિત આવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. આપણે લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આનો અર્થ એ થશે કે જ્યારે આપણે ભારતના ઈતિહાસને વિશ્વના ઈતિહાસ સાથે રાખીશું તો સમયરેખામાં કોઈ સમસ્યા નહીં રહે. એટલા માટે ઐતિહાસિક સ્થળોના ભૂતકાળને જાણવા માટે નવીનતમ તકનીકોનો ઉપયોગ મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે, જો આપણે ભારતની વિશાળતા અને વિવિધતાને જોઈએ તો અહીંનો ઈતિહાસ સૌથી ભવ્ય છે. આપણે આપણા વારસાની સંભાળ રાખવાની છે. આવા દરિયાઈ કે અન્ય મરિન સ્થળોનો ઈતિહાસ જાણવો પણ જરૂરી છે. ગુજરાતના દ્વારકાનો ઈતિહાસ એવો છે કે, આ આખું દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું, તો આપણે તેમાંથી કંઈક શીખવાનું છે કે, જો આખું શહેર દરિયામાં ડૂબી શકે તો ભવિષ્યમાં આપણે શું કાળજી લેવી જોઈએ. આ તમામ સંશોધનનો વિષય છે. કાશી, વારાણસી ઐતિહાસિક શહેરો છે, તેવી જ રીતે વડનગર પણ ખૂબ જૂનો ઈતિહાસ પોતાનામાં સાચવી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આયોજિત તાના-રીરી ઉત્સવને આંતરરાષ્ટ્રીય ઉત્સવ તરીકે બનાવવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરશે અને તેના માટે સંપૂર્ણ સહયોગ આપશે.

તેમણે કહ્યું કે, વડનગરમાં બૌદ્ધ વારસાનું સંશોધન પણ થઈ શકે છે. ભગવાન બુદ્ધને વિષ્ણુના દસ અવતારોમાંના એક માનવામાં આવે છે. આ તમામ બાબતો પર સંશોધન કરી શકાય તેમ છે. આ વિશ્વ સંગ્રહાલય દિવસના અવસરે એટલે કે 18મી મે 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે, ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી, મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે પ્રથમ 3-દિવસીય “વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ”નું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code