Site icon Revoi.in

ઝાલાવાડ પંથકમાં યોજાતો તરણેતરનો મળો આ વર્ષે પણ કોરોનાના ડરને લીધે નહીં યોજાય

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકની પાંચાળ ભૂમીની આગવી ઓળખ એટલે તરણેતરીયો મેળો.ભાતીગળ સંસ્કૃતિ અને અવનવા પોશાકને લઇને દેશ વિદેશમાં જાણીતો થયેલો આ મેળો કોરોનાને લઇને આ વર્ષે પણ નહી યોજવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. મેળામાં મોજ કરીને પવિત્ર કુંડમાં સ્નાન કરવા ઉતાવળા થઇ રહેલા લાખો ભાવીકોની ઇચ્છા આ વર્ષે પણ અધુરી રહેશે.

પાંચાળની પવિત્ર ભૂમી મહાભારતની ગાથાઓ સંઘરીને બેઠુ છે. હરિયાળા ડુંગરાળ પ્રદેશમાં વસતા કાઠીદરબારો,માલધારી,કોળી સહિતની જ્ઞાતીની રહેણી કહેણી અને પરંપરા તે આ મલકની આગવી ઓળખ છે. પાંચાળની ભોમકામાં તરણેતર ગામે બીરાજતા ત્રિનેત્રેશ્વર મહાદેવના કુંડમાં ઋષિપાંચમના દિવસે ગંગાજી પ્રગટ થતા હોવાની લોક વાયકા ને લઇને તરણેતરના મેળામાં લાખો ભાવિકો સ્નાન કરવા માટે ગુજરાતભરમાંથી આવે છે. એટલુ જ નહી પરંતુ માલધારીઓના રંગબે રંગી કપડા, રાસ સહિતની અનેક બાબતોને લઇને તરણેતરના મેળાની ખ્યાતી દૂરના દેશો સુધી પહોચી હતી.

દર વર્ષ લાખોની સંખ્યામાં મેળો માણવા અને કુંડમાં સ્નાન કરવા માટે લોકો આવે છે. પરંતુ કોરોનાને કારણે ગયા વર્ષે પણ તરણેતરનો મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો આ વર્ષે હજુ પણ કોરોના ગયો નથી અને માથે ત્રીજી લહેરનું જોખમ ઊભુ છે. જો મેળામાં લાખોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એક બીજાના સંપર્કમાં આવે તો કોરોના ફેલાવાની શકયતાઓ વધી જાય છે. આથી આ વર્ષે પણ મેળો બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મંદિર ખુલ્લુ રહેશે અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે. મંદિરમાં 400થી વધુ માણસો ભેગા મળીને દર્શન નહી કરી શકે.