જુનાગઢઃ રાજયમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે ગરમી રેકર્ડબ્રેક કરશે એવું હવામાન શાસ્ત્રીઓનું કહેવુ છે, ત્યારે ફળોમાં રાજા ગણાતી કેસર કેરીનો સ્વાદ આ વર્ષે મોંઘો પડે તે નવાઈ નહીં, કારણ કે ગરમી વધે તો કેરીનો પાક સારો થતો હોય છે, તે માન્યતા આ વર્ષે ખોટી પડશે. સોરઠની કેસર કેરીની સમગ્ર દેશ અને વિશ્વમાં ડીમાન્ડ રહેતી હોય છે, ત્યારે આ વર્ષે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. જૂનાગઢ વિશ્વ વિખ્યાત ગીરની કેસર કેરીનું આ વર્ષે મોડુ આગમન થશે. બીજુ કે આંબાઓ પર આ વખતે મોર મોડા બેઠા હતા.કૃષિ નિષ્ણાતોના મતે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે. કેસર કેરીના પાકને હવામાન લીધે ઊત્પાદન પર કેટલી અસર પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢની કેસર કેરી પર આ વર્ષે દરેક પાસાઓની માઠી અસર પડી છે. આ વર્ષે 30 ટકા નુકસાની થયેલી હોવાનું જાણવા મળ્યું છે. જેના પરિણામે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો નોંધાશે અને કેરી બજારમાં મોડી અને મોઘી આવશે. કેરી પકવતા ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે 15 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમાં કેરીની હરાજી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે કેરી બજારમાં એક સપ્તાહ મોડી અને મોઘી આવશે, કારણ કે, આ વર્ષે કમોસમી વરસાદની અસર કેરીના ઉત્પાદન ઉપર પડી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,, સામાન્ય રીતે કેરીની સિઝન એપ્રિલ મહિનામાં આવે છે, જેમાં પહેલા રાઉન્ડમાં તાલાલા, ધારી, સોમનાથ પંથકની કેરીની આવક થાય છે, ત્યાર બાદ વંથલી, મેંદરડા, ટીનમસ, શાપુર, ધણફૂલીયા પંથકની કેરી આવે છે. તેમાય આ વર્ષે વાવઝોડાને લીધે વંથલી પંથકની કેરી એક મહિનો મોડી આવશે.