જમ્મુની તવી નદીનો સાબરમતી રિવરફ્રન્ટની જેમ થશે વિકાસ, પ્રતિનિધિમંડળે લીધી મુલાકાત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન જમ્મુમાં આવેલી તવી નદી ઉપર અમદાવાદની સાબરમતી નદી ઉપર તૈયાર કરવામાં આવેલા રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જમ્મુ અને કશ્મીર સરકારના વરિષ્ઠ અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તવી નદીના વિકાસ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન મદદ કરશે.
જમ્મુના પ્રતિનિધિમંડળના એલજી નિતીશ્વરકુમાર અને જમ્મુના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી અને જમ્મુ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સુષ્મા ચૌહાણ અને અન્ય અધિકારી અમદાવાદ આવ્યાં હતા. તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ પાસેથી સાબરમતી રિવરફ્ન્ટ વિશે માહિતી મેળવી હતી. તવી નદી ખાતે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ધોરણે રિવરફ્રન્ટ વિકસાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે જમ્મુ શહેરની સ્માર્ટ સિટી વિકાસ યોજનાનો હિસ્સો હશે. જમ્મુ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સાથે હરિયાળું, મનોરંજક સમુદ્રી પર્યાવરણ માટે સમજૂતી કરાર માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એસઆરએફડી પ્રોજેક્ટના અધિકારીઓ તવી નદી પર રિવરફ્ન્ટના વિકાસ માટે અહેવાલ તૈયાર કરવા માટે પ્રતિનિધિમંડળની મદદ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી મોટી સંખ્યામાં શહેરીજનો મોટી સંખ્યામાં રિવરફ્રન્ટની મજા માણવા દરરોજ આવે છે. આ ઉપરાંત પ્રવાસીઓના મનોરંજન માટે વિવિધ સુવિધાઓ પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ જોઈને જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિમંડળ આશ્ચર્યચકિત થઈ ગયું હતું.