Site icon Revoi.in

દિલ્હીમાં અપહરણ કરાયેલો કિશોર અમદાવાદમાંથી મળ્યો, ચાર અજાણ્યા શખ્સોએ કર્યું હતું અપહરણ

Social Share

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે એક 17 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. પોલીસે કિશોરની પૂછપરછ કરવામાં તેનું અજાણ્યા વ્યક્તિઓ અપહરણ કરીને અમદાવાદ લઈ આવ્યાં હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં કિશોર અપહરણકારોને ચકમો આપીને ભાગી ગયો હોવાનું ખૂલ્યું હતું. જેથી અમદાવાદ પોલીસે આ અંગે દિલ્હી પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે એક કિશોર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેથી પેટ્રોલીંગ કરતી પોલીસે તેને બોલાવીને પૂછપરછ કરતા અપહરણની ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. કિશોર દિલ્હીનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. કિશોર સ્કૂલમાં પરીક્ષા આપીને ઘર તરફ જતો હતો. દરમિયાન ચારેક શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. તેમજ તેને ટ્રેનમાં અમદાવાદ લઈ આવ્યા હતા. જો કે, કિશોર અપહરણકારોને ચકમો આપીને ભાગી છુટ્યો હતો અને વસ્ત્રાપુર આવ્યો હતો. બીજી તરફ કિશોર ઘરે પરત ન પહોંચતા પરિવારજનો દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી સમગ્ર ઘટના અંગે અમદાવાદ પોલીસે દિલ્હી પોલીસને જાણ કરી હતી. દિલ્હી પોલીસની ટીમ અને પરિવારજનો તેને લેવા અમદાવાદ આવી રહ્યાં હોવાનું જાણવા મળે છે. જો કે, પોલીસ તપાસમાં કોણે અને કેમ અપહરણ કર્યું તે ખુલશે.

(Photo-File)