Site icon Revoi.in

અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પલટાયેલા વાતાવરણમાં તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યા બાદ ફરીવાર અમદાવાદ સહિત 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. અમરેલીમાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જ્યારે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. દરમિયાન હવામાન વિભાગે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ તા. 28, અને 29 એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ફરીથી ગુજરાતમાં માવઠાની શક્યતા છે. 29 એપ્રિલથી વાતાવરણ વાદળવાયુ રહેશે.  મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી  24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

ગુજરાતમાં રવિવારે અમદાવાદ સહિત 10 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું. જેમાં ભાવનગરના મહુવા અને અમરેલી 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ઉપરાંત પાંચ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. જેમાં કેશોદ અને રાજકોટમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં ક્રમશઃ 41.1 અને 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ આખા મહિનાના વાતાવરણની લોન્ગ રેન્જ ફોરકાસ્ટ કરી હતી. આ ફોરકાસ્ટમાં એપ્રિલ મહિનાના અંતે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. જોકે, 3 દિવસ અગાઉ આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની દિશા પલટાવવાના કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી છાંટા વરસ્યા હતા.