ગુજરાતમાં હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થશે, હોળી-ધૂળેટી બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે તાપમાનમાં ક્રમશ- વધારો થઈ રહ્યો છે. જો કે, ગત વર્ષની તુલનાએ ફાગણ મહિનાના પ્રથમ સપ્તાહમાં તાપમાન સામાન્ય રહ્યું હતું. ત્યારબાદ તાપમાન સરેરાશ 35 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. દરમિયાન હવામાન વિભાગના કહેવા મુજબ માર્ચના અંત સુધીમાં એટલે કે હોળી અને ધૂળેટી બાદ તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. જ્યારે હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલના કહેવા મુજબ તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ગુજરાતમાં દર વર્ષે માર્ચ મહિનાના પ્રારંભથી ગરમીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાના પ્રારંભમાં તાપમાન સામાન્ય રહ્યું હતુ. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ માર્ચ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનમાં વધારો થતાં લોકોએ ગરમીનો અહેસાસ કર્યો હતો. હવે આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યભરના મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય એવી શક્યતા છે. આગામી ત્રણ દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન યથાવત્ રહેશે. ત્યાર બાદ બે ડિગ્રી જેટલું તાપમાન વધે એવી શક્યતા છે. અત્યારે જ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. ત્યારે આગામી પાંચ દિવસ દરમિયાન એકથી બે ડિગ્રી તાપમાન વધતાં ગરમીનો અહેસાસ વધુ થાય એવી શક્યતા છે.
અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર પહોંચ્યું છે. ત્યારે આગામી પાંચ દિવસમાં બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. ત્યાર બાદ માર્ચ મહિનાનાં છેલ્લા સપ્તાહમાં પણ તાપમાનમાં સતત વધારો થતાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચે એવી શક્યતા છે. હાલમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઉત્તર અને ઉત્તરપૂર્વીય પવનો ફુકાય રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ પૂર્વ અને ઉત્તરપૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાતાં હીટવેવની શક્યતા પણ બની રહી છે, સામાન્ય રીતે સૌથી લઘુતમ તાપમાન ધરાવતું નલિયા શહેર છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ગરમ શહેર રહ્યું હતું. નલિયામાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં ભારે પવન ફુંકાશે અને આકાશ વાદળછાંયુ રહેશે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે.