દેવોના દેવ એટલે કે મહાદેવ, જેના પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને જો કોઈ કામ કરવામાં આવે તો નામથી જ કામ થઈ જાય, એવું લોકો કહે છે. જે લોકો મહાદેવના ભક્ત હોય તેમણે તો આ સ્થળ પર જરૂરથી ફરવા જવુ જોઈએ.
આ સ્થળ ગુજરાતના દિવથી લગભગ ચાર કિલોમીટરના અંતરે આવેલા ‘ફુદમ’ ગામમાં આવેલું છે. એવું કહેવાય છે કે મહાદેવનું આ ગંગેશ્વર મહેશ્વરનું મંદિરમાં દરિયાદેવ સ્વયં જ અહીં શિવજી પર સતત જળાભિષેક કરતા જ રહે છે. પ્રકૃતિના સાનિધ્યે સ્થિત મહાદેવના આ મનોહારી રૂપને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટતા જ રહે છે.
જો આ મંદિરના ઈતિહાસની વધારે વાત કરવામાં આવે તો સમસ્ત સૃષ્ટિમાં દેવાધિદેવનું આવું દિવ્ય રૂપ બીજે ક્યાંય પણ જોવા નથી મળતું. ગંગેશ્વર મહાદેવ એ ગંગનાથના નામે પણ પૂજાય છે. આ રીતે કોઈ એક જ સ્થાન પર પાંચ શિવલિંગના દર્શન થતાં હોય અને દરિયાદેવ તેના પર સ્વયંભૂ અભિષેક કરતાં હોય તેવું તો ધરતી પરનું આ એકમાત્ર સ્થાન છે.
ગંગેશ્વર મહાદેવના પ્રાગટ્ય સાથે કુંતી પુત્ર પાંડવોની ગાથા જોડાયેલી છે. મહાભારતના વનપર્વમાં આ સંબંધી ઉલ્લેખ જોવા મળે છે. જે અનુસાર પાંડવો તેમના વનવાસ દરમિયાન ભ્રમણ કરતા પ્રભાસતીર્થ ક્ષેત્રમાં આવ્યા હતા. તેમને નિત્ય શિવપૂજન બાદ જ ભોજન ગ્રહણ કરવાનું પ્રણ હતું. એક દિવસ એવું બન્યું કે જંગલમાં ભ્રમણ કરતા સંધ્યા થઈ ગઈ. પરંતુ, તેમને ક્યાંય શિવલિંગના દર્શન ન થયા. આખરે, પાંચેય પાંડવોએ તેમના કદ અનુસાર નાના-મોટા શિવલિંગનું નિર્માણ કર્યું. અને પછી એક ગુફામાં તેનું સ્થાપન કર્યું.
આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.