અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નાઈટ કરફ્યુ સહિત લોકોને એકઠા થવાના નિયંત્રણો પણ ઉઠાવી લેવાયા છે. તેથી હવે તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી રહી છે. પ્રસિદ્ધ યાત્રાધામ મંદિરો ખૂલી રહ્યા છે. જેમાં શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ભક્તો હવે સવાર સાંજ આરતીના દર્શનનો લ્હાવો લઈ દર્શન કરી શકશે. બહુચરાજી મંદિર સવારે 5:30 થી રાત્રે 9:30 સુધી ખુલ્લું રહેશે. કોરોના કેસ ઘટતા દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે.
બહુચરાજી ખાતે બહુચર માતાજીના મંદિરમાં હવે અગાઉની જેમ સવારે 5-30 થી રાત્રે 9-30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. તેમજ સવાર-સાંજની આરતીમાં શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા સોમવારથી જ દર્શનમાં છૂટછાટ અપાતાં શ્રદ્ધાળુઓની આનંદની લાગણી છવાઇ હતી. ગત માસથી દર્શનની છૂટ અપાઇ હતી. પરંતુ સવાર-સાંજ આરતીમાં પ્રવેશ અપાતો ન હતો. કોરોના નહીંવત થતાં હવે બહુચરાજી મંદિર દ્વારા દર્શનના સમય રાબેતા મુજબ કરવામાં આવ્યો છે. આજથી (શિવરાત્રિ) મંદિરમાં દર્શનનો સમય સવારે 5-30થી રાત્રે 9-30 વાગ્યા સુધી નિયત કરવામાં આવ્યો છે. સવાર અને સાંજની આરતીમાં હવે ભક્તોને પ્રવેશ મળી શકશે. રોજ આનંદના ગરબાનો સમય સાંજે 6-10 વાગ્યાનો રહેશે. બહુચર માતાજીનું મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક છે. વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના 15 દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે. તેઓ માટે આ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે. બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે, તેમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે, જેમાં અધ્ય સ્થાન, મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર. મુખ્ય મંદિરમાં સ્ફટિકના બનેલા બાલા યંત્રની સોનાથી પૂજા કરવામાં આવે છે, શ્રી બહુચરી એક સિદ્ધ શક્તિ છે.