Site icon Revoi.in

પ્રવાસનથી મંદિરોને પણ થઈ આવક, સોમનાથમાં તહેવારના સમયમાં થયું કરોડોનું દાન

Social Share

ગીર સોમનાથ: છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાને કારણે મોટેભાગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર બંધ જેવું જ જ હતું. અનલોક દરમ્યાન પણ ચુસ્ત નિયમો સાથે ખુલ્યું હતું. ભાવિકો પણ નહિવત પ્રમાણમાં આવતા હતા. મહાદેવની કૃપાથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું અને હળવો પણ પડ્યો. આથી દીપાવલીના તહેવારો દરમ્યાન શ્રદ્ધાળુઓનો મહાસાગર સોમનાથ દર્શને ઉમટ્યો હતો.

ટ્રસ્ટના તમામ ગેસ્ટહાઉસમાં બુકીંગ ફૂલ જોવા મળ્યું છે અને દિવાળીથી લાભપાંચમ સુધીનાં તહેવારોમાં લાખો લોકો અનેરી આસ્થા અને શ્રદ્ધા સાથે દાદા સોમનાથના દર્શને પધાર્યા છે.

આ વખતે એક સપ્તાહમાં 3 લાખથી વધુ ભાવિકોએ દાદા સોમનાથના પ્રત્યક્ષ દર્શન કર્યા છે તો ફેસબુક, ટ્વીટર, યુટ્યુબ અને સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ મારફતે સોશ્યિલ મીડિયાના માધ્યમથી 1 કરોડ 35 લાખ જેટલા લોકોએ દર્શનનો લાભ લીધો છે. આ ઉપરાંત પૂજાવિધિ, પ્રસાદી, લાઈટ એન્ડ સાઉન્ડ શો વગેરે દ્વારા સોમનાથ ટ્રસ્ટને 1 કરોડ 35 લાખ રૂપિયાની આવક થઈ છે. હજુ પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જે થોડા દિવસ રહી શકે છે.

જો કે તે વાતમાં કોઈ શંકા નથી કે લાંબા સમય પછી લોકો ફરવા નીકળી રહ્યા છે, દેશના તથા રાજ્યના ખૂણા ખૂણામાં લોકો ફરવા માટે પહોંચ્યા છે. આવામાં સીધી વાત છે કે પ્રવાસન ક્ષેત્રમાં જોરદાર સુધારો જોવા મળવાનો છે. મંદિરો તથા પાર્કમાં લોકોની ભીડ વધારે જોવા મળી છે. ગુજરાતના અન્ય મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી છે જેમાં દ્વારકા, ડાકોર, અંબાજીનો સમાવેશ થાય છે.