Site icon Revoi.in

હિંમતનગરના ચાંપલાનાર ગામે તોફાની વાનરનો આતંક, 10 ગ્રામજનોને હોસ્પિટલ ખસેડવા પડ્યાં

Social Share

હિંમતનગરઃ  સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે છેલ્લા ચાર દિવસથી તોફાની વાનરના ત્રાસથી ગામ લોકો ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. એક વિફરેલા વાનરે એટલો આતંક મચાવ્યો છે, ગામમાં એકલ-દોકલ વ્યક્તિઓ પર હુમલા કરે છે. છેલ્લા 4 દિવસમાં  10થી વધુ લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. ગ્રામજનોએ તોફાની વાનરને પકડવા માટે વન વિભાગને પણ જાણ કરી છે.

હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે તોફાની વાંદરાએ તરખાટ મચાવ્યો છે, જેના કારણે લોકો ઘરથી બહાર નિકળતા ડરી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી વિફરેલા વાંનરેએ લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં ચારથી પાંચ મહિલાઓ તેમજ ચારથી પાંચ પુરુષો પણ આ વાંનરના હુમલાનો ભોગ બન્યા છે. ગામના એક મહિલાના પગે વાંદરાએ બચકું ભરતા મહિલાને 13 ટાંકા લેવા પડ્યા છે. જેને લઈને હવે ગામ લોકો બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે તો લોકો ઘરમાં જ બેસી રહે છે અને બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.

ચાંપલાનર ગામના લોકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરતા વન વિભાગના કર્મચારી અને અધિકારીઓએ ગામમાં ધામા નાંખ્યા છે અને વાંદરાને પકડવાના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, આ તોફાની વાનરે  વન વિભાગના  વિભાગના અધિકારીઓને પણ હંફાવી દીધા છે. અધિકારીઓ વાંદરાને પકડવા માટે ગામમાં ઠેર ઠેર દોડધામ કરી રહ્યા છે, છતાં પણ વાનર વન વિભાગના કર્મચારીઓને હાથ લાગ્યો નથી. તેના કારણે લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. ગામમાં હાલમાં બાળકોને શાળા મૂકવા જવા માટે વાલીઓ દંડા લઈને સ્કૂલ તરફ જઈ રહ્યા છે. ત્યારે તોફાની વાંદરો પાંજરે પુરાય તો જ ગામલોકોનો ડર ઓછો થાય એમ છે . (file photo)