અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં તોફાની વાનરો આતંક મચાવી રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં તોફાની વાનરોએ 30 જેટલા લોકોને બચકા ભર્યા છે. વાનરો કરડવાના બનાવો સરખેજના રોજા, ચિકુ વાડી સહિતના વિસ્તારોમાં બની છે. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તોફાની વાનરોને પકડવા માટે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. વાનરોના ઝૂંડમાં માત્ર બે-ચાર તોફાની વાનરો છે. જે રસ્તે જતાં-આવતા લોકો પર અચાનક હુમલો કરી રહ્યા છે. રોડ પર પાર્ક કરેલા વાહનોને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે.
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજે છેલ્લા 5 દિવસથી આતંક મચાવ્યો છે. સરખેજ રોઝા, મકરબા, ભરવાડ વાસ અને ચીકુની વાડી સહિતના વિસ્તારમાં તોફાની વાનરોએ 20 જેટલા લોકોને બચકા ભર્યા હતા. સરખેજ વિસ્તારમાં તોફાની વાનરોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. શાળામાં બાળકોને મૂકવા જતી વખતે લોકોને હાથમાં લાકડી લઈને જવાની ફરજ પડે છે. વાનરોના આતંકથી લોકોમાં ભારે ડર છે. લોકો ઘરની બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે. લોકોએ આ અંગે વનવિભાગને જાણ પણ કરી છે પરંતુ વનવિભાગ ઉડાવ જવાબ આપતું હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વાનરોનો આતંક માત્ર સરખેજ પૂરતો રહ્યો નથી, પરંતુ એરપોર્ટના પાર્કિંગ એરિયામાં પણ વાનરોએ થોડા દિવસ પહેલા ઘૂસી આવતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી તોફાની વાનરોની ટોળીએ એટલી બધી હદ વટાવી છે કે, કેટલાક લોકોને તો હાથે કે પગે આઠ-દસ ટાંકા લેવા પડે એવી રીતે તેમના પર હુમલા કર્યા છે. (File photo)