નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ નાઇજીરીયામાં આતંકવાદી સંગઠન બોકો હરામે બે અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા 37 ગ્રામીણોની ઘાતકી હત્યા કરી હતી. ઇસ્લામિક આતંકવાદી સંગઠને યોબે રાજ્યના ગીદામ જિલ્લામાં ગ્રામજનોને નિશાન બનાવ્યા હતા. તેઓએ પહેલા 17 લોકોને ગોળી મારીને મારી નાખ્યા, જ્યારે 20 અન્ય લોકોને મારવા માટે લેન્ડમાઈનનો ઉપયોગ કર્યો. આશ્ચર્યની વાત એ છે કે માર્યા ગયેલા 20 લોકો અગાઉ માર્યા ગયેલા 17 લોકોના અંતિમ સંસ્કારમાં ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર યોબે રાજ્યના ગીદામ જિલ્લાના લોકો છેલ્લા 14 વર્ષથી ઈસ્લામિક ઉગ્રવાદી બળવાખોરોના હુમલાનો ભોગ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ બોકો હરામે 2009માં પૂર્વોત્તર નાઈજીરિયામાં આ વિસ્તારમાં ઈસ્લામિક કાયદા અથવા શરિયાનું કટ્ટરપંથી અર્થઘટન સ્થાપિત કરવાના પ્રયાસમાં બળવો શરૂ કર્યો હતો.
નાઇજીરીયામાં પહેલો હુમલો મોડી રાત્રે ગીદામના ગુરોકૈયા ગામમાં થયો હતો, જ્યારે કેટલાક ગ્રામજનો ઉપર ગોળીબાર કર્યો હતો, જેમાં 17 લોકો માર્યા ગયા હતા. ગુરોકૈયા ગામના રહેવાસી શૈબુ બાબાગાનાએ જણાવ્યું હતું કે, 17 લોકોને દફનાવવા માટે 20 ગ્રામીણ કબ્રસ્તાનમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લેન્ડમાઈનને કારણે થયેલા બ્લાસ્ટમાં તેમનું મૃત્યુ થયું હતું. અન્ય એક રહેવાસી ઈદ્રિસ ગીદમે જણાવ્યું કે, માર્યા ગયેલા લોકોની સંખ્યા 40થી વધુ છે. ઇદ્રિસ ગીદમે કહ્યું કે, બોકો હરામ દ્વારા તાજેતરના સમયમાં કરવામાં આવેલ આ સૌથી ભયાનક હુમલાઓમાંથી એક છે. પ્રિયજનોને ગુમાવ્યા પછી તરત જ દફનાવવા ગયેલા લોકો ઉપર થયેલો હુમલો ભયાનક છે.