Site icon Revoi.in

બિલિમોરામાં ખોદકામ દરમિયાન મળેલા પુરાતની 199 સોનાના સિક્કાની ચોરીનો ભેદ ઉકેલાયો

Social Share

નવસારીઃ  જિલ્લાના બિલિમોરામાં વિદેશ રહેતા એક પરિવારના જુના મકાનને જમીનદોસ્ત કરીને ખોદકામ ચાલતુ હતું ત્યારે વર્ષો જુના સોનાના સિક્કાનો દલ્લો મળી આવ્યો હતો. શ્રમિકોના હાથમાં કિંમતી સોનાના સિક્કા આવતા શ્રમિકો પોતાના વતન મધ્યપ્રદેશમાં જતા રહ્યા હતા. દરમિયાન સોનાના સિક્કાની ભાગબટાઈમાં શ્રમિકો વચ્ચે વાંધો પડતા આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.ત્યારબાદ ચાર જેટલાં પોલીસ કર્મચારીઓએ પણ તોડ કર્યાના આક્ષેપો બાદ એનઆરઆઈ મકાનમાલિકે  પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ કરીને  મધ્યપ્રદેશથી કરોડની કિંમતના 199 સોનાના સિક્કા સાથે પાંચ મજૂરોની ધરપકડ કરી છે. આ સોનાના સિક્કા પર કિંગ જોર્જ પંચમની છબી કોતરવામાં આવેલી છે. જે મકાનમાં ખજાનો  મળ્યો છે કે બજાર સ્ટ્રીટ પર સ્થિત એનઆરઆઈ હવાબેન બલિયાનું છે. વર્તમાન સમયમાં એનઆરઆઈ હવાબેન બલિયા યુનાઇટેડ કિંગડમના લીસેસ્ટરમાં રહે છે. હવે આ સોનાના સિક્કાની માલિકી કોની મકાનમાલિકની કે સરકારની તે અંગે વિવાદ ઊભો થયો છે.

નવસારીના બીલીમોરામાં આવેલા એનઆરઆઈના એક મકાનના નવ મહિના પૂર્વે ડિમોલિશન સમયે સોનાના સિક્કા શ્રમિકો સોનાના સિક્કાનો દલ્લો લઈને પોતાના વતન મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. નવસારી પોલીસે મધ્યપ્રદેશમાં રહેતા મજૂરોના ઝૂંપડામાંથી અંદાજે એક કરોડની કિંમતના 199 સોનાના સિક્કાઓ કબજે કર્યા છે. પોલીસે સિક્કાઓની સાથે પાંચ આરોપીને પણ દબોચી લીધા છે. જોકે હવે સિક્કા મળ્યા બાદ સવાલ એ ઊભો થયો છે કે આ પૌરાણિક સિક્કાઓની માલિકી કોની?

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિલીમોરાના હવાબેન બલિયાએ કોન્ટ્રાક્ટર સરફરાઝ કરાદિયા તેમજ મધ્ય પ્રદેશના અલીરાજપુરના રહેવાસી ચાર મજૂરો વિરુદ્ધ ગત 21મી ઓક્ટોબરે ફરિયાદ નોંધાવી હતી  પોલીસે પાંચે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406 (ગુનહિત વિશ્વાસઘાત) અને 114 (અપરાધના સ્થળે હાજર પ્રેરક) હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હતાં. પોલીસે ચાર મજૂરોની ધરપકડ કરી કિંગ જોર્જ પંચમની કોતરણીવાળા કુલ 199 સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે, જે 1922ના છે. દરેક સિક્કાનું વજન 8 ગ્રામ છે. આ સિક્કાની કિંમત 92 લાખ રૂપિયા છે. નોંધનીય છે કે મજૂરોમાંથી એકની ફરિયાદ પર અલીરાજપુરના સોંડબા પોલીસ સ્ટેશનમજાં એફઆઈઆર દાખલ થયા બાદ મધ્યપ્રદેશના ચાર પોલીસકર્મીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આક્ષેપ કરાયો હતો કે, પોલીસકર્મીઓએ કેટલાક સિક્કાનો તોડ કર્યો હતો.

નવસારીના એસપીએ જણાવ્યું કે નવસારી પોલીસ હવે આ કેસમાં આગળની કાર્યવાહી કરતા  એમપીના પોલીસકર્મીઓની પૂછપરછ કરવા અને તેના કબજામાંથી સિક્કાને જપ્ત કરવા માટે કોર્ટમાંથી મંજૂરી માંગશે. હાલ આ જપ્ત કરાયેલા સિક્કા કોર્ટની પાસે છે.  કોર્ટના ચુકાદાના આધાર પર રાજ્ય સરકાર કે ફરિયાદીને સોંપી દેવામાં આવશે. હવે કોર્ટ તે નક્કી કરશે કે સિક્કા રાષ્ટ્રીય સંપત્તિ છે કે ખાનગી સંપત્તિ. પોલીસ આ મુદ્દે સ્પષ્ટતા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને ગુજરાત સરકાર પાસે પણ જાણકારી માંગશે.