- ગેન્ગરેપનો ત્રીજો આરોપી રાજસ્થાન ભાગે તે પહેલા જ દબોચી લેવાયો,
- સુરત જિલ્લા પોલીસ આરોપીનો કબજો લેવા રવાના,
- ત્રણમાંથી એક આરોપીનું પોલીસ જાપ્તામાં મોત નિપજ્યુ હતુ.
સુરતઃ જિલ્લાના મોંગરોળ ગેન્ગરેપના કેસમાં બે આરોપી પકડાયા બાદ ત્રીજો આરોપી ફરાર હતો, પોલીસે પકડેલા બે આરોપી પૈકી એક આરોપીનું પોલીસ જાપ્તામાં હાર્ટ એટેકને લીધે મોત નિપજ્યું હતું. પોલીસે ફરાર થયેલા ત્રીજા આરોપીની શોધખોળ આદરી હતી. દરમિયાન ત્રીજા આરોપી રાજુને જિલ્લા LCB ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે પોલીસે દબોચી લીધો હતો, સુરત જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબજો લેવા અમદાવાદ આવવા રવાના થઈ છે.
સુરતના માંગરોળ તાલુકાના મોટા બોરસરાની સીમમાં ગત તા. 8મી ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લીધી હતી. એ બાદ સુરત ક્રાઇમ બ્રાંચને આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતાં ત્યાં પહોંચી હતી. પરંતુ ત્રણેય આરોપીએ ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન આરોપી મુન્ના કરબલી પાસવાન અંધારામાં ભાગવાની કોશિશ કરવા લાગ્યો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચના PI જિતેન્દ્ર ગોસ્વામીએ તેના પર પિસ્તોલ તાકી દીધી હતી. આમ છતાં આરોપી ભાગી રહ્યો હતો, જેથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને તેમાં તે માત્ર 5 ફૂટથી બચી ગયો. જો કે ત્યારબાદ મુન્ના ચાર ડગલાં આગળ જઈને તે રસ્તા પર બેસી ગયો અને જીવ બચાવવા આજીજી કરવા લાગ્યો કે, મારી ધરપકડ કરી લો.
જ્યારે ત્રીજા આરોપી રાજુને પકડવા પોલીસે જહેમત ઊઠાવી હતી. દરમિયાન જિલ્લા LCB ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબજો લેવા અમદાવાદ રવાના થઈ છે. તો સાથે જ મૃતક આરોપીનું ગઈકાલે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેનો રિપોર્ટ એક મહિના પછી આવશે. પ્રાથમિક માહિતી આપતાં તબીબોની ટીમે જણાવ્યું હતું કે, આરોપી શિવશંકરના હૃદયમાં બે બ્લોકેજ છે. પ્રાથમિક અનુમાન મુજબ કાર્ડિયાક અરેસ્ટ છે. જો કે, સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે જાણ થશે.
આ અંગે LCB પીઆઈ રાજેશ ભટોલે જણાવ્યું હતું કે, માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ડેટ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળતા આ માહિતી રેલવે LCBને કરતા રેલવે LCB પીઆઈ હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી સ્ટેશન ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે અને આરોપીને સુરત ખાતે લાવવાની તજવીજ ચાલુ છે.